ઓગસ્ટ 18, 2026 5:36 પી એમ(PM)

printer

નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે 12-મા બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે 12-મા બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન યોજાયું. “સ્થિતિ-સ્થાપકતા, નવીનતા, સહાકર અને સ્થિરતા માટે નિર્માણ”ની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા સંમેલનમાં શ્રી યાદવે કહ્યું, ભારતે વર્ષ 2005 અને 2022 વચ્ચે પ્રદૂષણ ઉત્સર્જનની તીવ્રતામાં 37 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, ભારતની કુલ વીજળી ક્ષમતાના અડધાથી વધુનો ભાગ હવે સ્વચ્છ સ્ત્રોતમાંથી મળી રહ્યો છે.

શ્રી યાદવે વધુમાં કહ્યું, અધ્યક્ષ તરીકે ભારત એક ખૂલ્લા, રચનાત્મક અને સર્વસંમતિ આધારિત સંવાદને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે અને તમામ સભ્ય દેશોના દ્રષ્ટિકોણ તથા યોગદાનને ઘણું મહત્વ આપે છે. માનવતાને પ્રાથમિકતા આપતા એક ટકાઉ પૃથ્વીના નિર્માણ માટે નીતિ, ટેક્નોલૉજી અને જાહેર ભાગીદારીને એકીકૃત કરવાના મહત્વ પર ભાર આપ્યો.

શ્રી યાદવે બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિમંડળના અધ્યક્ષ સાથે બ્રિક્સ પર્યાવરણ કાર્યસમૂહ દ્વારા તૈયાર કરાયેલા ચાર જ્ઞાન સંકલનોનું અનાવરણ કર્યું. તે દસ્તાવેજ બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે અગ્રણી પ્રથાઓ, જ્ઞાન પ્રણાલિઓ અને નવીનતાઓ દર્શાવે છે. તે સંકલન બ્રિક્સ પર્યાવરણ કાર્યસમૂહમાં કરાયેલી રચનાત્મક અને સાર્થક વિચાર-વિમર્શનું પરિણામ છે.

ઉલ્લેખનીય છે કે, 12-મા બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓના સંમેલનમાં બ્રિક્સના સભ્ય દેશોના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, નીતિનિર્માતાઓ અને નિષ્ણાતોને સાર્થક ચર્ચા કરવા, સામાન્ય સંમતિ બનાવવા અને પર્યાવરણ સહકારને મજબૂત કરવા એક મંચ પૂરું પડાયું.