રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કાર, માનવતા અને રાષ્ટ્રપ્રેમથી સજ્જ નાગરિકોનું ઘડતરને સાચું શિક્ષણ ગણાવ્યું. ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહને સંબોધતા રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે કહ્યું, -માત્ર ઉચ્ચ પદવીઓ કે વિદ્વત્તા હોવી પૂરતી નથી, પરંતુ વ્યક્તિ ધર્માત્મા અને સંસ્કારી હોવો જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું, મેકોલેની શિક્ષણ નીતિએ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ઈતિહાસને જે નુકસાન પહોંચાડ્યું હતું. તેને દૂર કરીને હવે “સા વિદ્યા યા વિમુક્તયે”ના ભાવ સાથે આપણે આગળ વધવું પડશે.
બાળ મનોવિજ્ઞાનનો સંદર્ભ આપતા રાજ્યપાલશ્રીએ કહ્યું, બાળક એક કોરા કાગળ સમાન છે. મનુષ્ય તમામ જ્ઞાન વાતાવરણ, પરિવાર અને શિક્ષકો પાસેથી શીખે છે. પ્રાચીન ભારતમાં ગર્ભાધાનથી લઈને ઉપનયન અને વેદારંભ સુધીના 16 સંસ્કાર દ્વારા બાળકને શ્રેષ્ઠ માનવ બનાવવાની વ્યવસ્થા હતી.
પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલશ્રીએ આહ્વાન કર્યું હતું કે, તમે સામાન્ય યુનિવર્સિટીના નહીં, પરંતુ માનવ નિર્માણના સંસ્કારી વિઝનવાળી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છો. તમારી પાસેથી સમાજ અને રાષ્ટ્રને ઘણી મોટી અપેક્ષાઓ છે. અહીંથી મેળવેલા મૂલ્યો, પરોપકાર અને માનવતાના મિશનને સમગ્ર જીવન દરમિયાન એક રાષ્ટ્રીય મિશન તરીકે આગળ ધપાવજો.
શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના રાષ્ટ્રીય સચિવ અતુલ કોઠારીએ કહ્યું હતું કે, પદવીદાન સમારોહ એ વિદ્યાર્થીઓના જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ પડાવ છે, જે માત્ર ઔપચારિક પદવી મેળવવાનો ઉત્સવ નથી, પરંતુ વ્યવહારિક જીવનમાં પ્રવેશવાનો સંકલ્પ દિવસ છે. શિક્ષણ ક્ષેત્રે ‘શિક્ષાર્થે આવો, સેવાર્થે જાઓ’નો ઉમદા સંદેશ અપાયો છે, જેનો અર્થ એ છે કે, વિદ્યાર્થીઓ પોતાની વ્યક્તિગત જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે સમાજ, રાષ્ટ્ર અને માનવતા પ્રત્યેના પોતાના દાયિત્વને પણ સમજે.
આ પ્રસંગે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોષીએ કહ્યું હતું કે, યુનિવર્સિટીએ અત્યાર સુધી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. હાલ યુનિવર્સિટીમાં 125થી વધુ વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે અને 53થી વધુ વિદ્યાર્થીઓએ પીએચડી ડિગ્રી પૂર્ણ કર્યું છે. ઉપરાંત, અધ્યાપકો અને સંશોધકો દ્વારા 550થી વધુ સંશોધનપત્ર રજૂ કરાયા છે તેમજ 100થી વધુ પુસ્તકોનું પ્રકાશન કરાયું છે.
News On AIR | જુલાઇ 31, 2026 6:34 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કાર, માનવતા અને રાષ્ટ્રપ્રેમથી સજ્જ નાગરિકોનું ઘડતરને સાચું શિક્ષણ ગણાવ્યું.