સપ્ટેમ્બર 5, 2026 9:44 એ એમ (AM)

printer

ગુજરાત રમતગમતનું ગ્લોબલ હબ બનવા સજ્જ છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતાં કહ્યું

ગુજરાત રમતગમતનું ગ્લોબલ હબ બનવા સજ્જ છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026નો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતાં કહ્યું હતું. સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અને સ્પોર્ટ્સ ઇન્જરીના મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિશ્વભરના ખેલાડીઓ માટે ગુજરાત મહત્ત્વનું કેન્દ્ર બનીને ઊભરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી શરૂ થનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં વિશ્વના પેરા તિરંદાજો ભાગ લઇ રહ્યાં છે.

આ પ્રસંગે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે  ‘ખેલે તે ખીલે’ મંત્રથી ભારતના સ્પોર્ટ્સ સેક્ટરમાં 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આવ્યું છે તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર પણ રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગરમાં 316 કરોડ રૂપિયાના ખર્ચે એશિયાનું અત્યાધુનિક ‘પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર’ તૈયાર થઈ રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન શીતલ દેવીને ‘પેરા આર્ચર ઑફ ધ યર’નો એવોર્ડ એનાયત કરાયો હતો. આજથી  9 સપ્ટેમ્બર સુધી યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતના 29 તીરંદાજો ઉપરાંત ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇરાન,  કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગલાદેશ, ભૂટાન, સાયપ્રસ, ચેકિયા, ઇરાક અને રશિયન ફેડરેશન સહિત કુલ 19 દેશોના તીરંદાજો ભાગ લઈ રહ્યા છે.