આજે વિજયાદશમી છે. રાજ્યભરમાં વિજયાદશમી – દશેરા પર્વની આજે ધાર્મિક પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. રાજ્યભરમાં આજે ઠેરઠેર રાવણદહનના કાર્યક્રમો યોજાશે. દશેરાના દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી આજે મોટાપાયે વાહનો અને દાગીનાની ખરીદી કરાશે. દશેરા પર્વ પર શસ્ત્ર પૂજનની વિશેષ પરંપરા મહીમા છે. રાજ્યભરમાં લોકો આજે શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરશે. આજના દિવસે ફાફડા જલેબી ખાવાનો વિશેષ મહિમા છે. રાજ્યભરમાં લોકો આજે ફાફડા જલબેની લીજજત માણશે.
આજે અમદાવાદમાં 52 ફૂટ ઊંચા રાવણનું દહન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. રાવણ દહનની સાથે 40 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકરણના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. થલતેજ દુરદર્શન ટાવર પાસે આવેલા AES ગ્રાઉન્ડમાં ભવ્ય રાવણ દહન અને લોક ડાયરાનું આયોજન શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
અમદાવાદના મેયર હિતેશ બારોટે આ કાર્યક્રમ માટે નાગરિકોને આમંત્રણ પાઠવતા જણાવ્યું કે, કાર્યક્રમમાં અંદાજિત 35થી 40 હજાર જેટલા લોકો હાજર રહેશે.
ભાવનગર શહેરમાં વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે જવાહર મેદાન ખાતે પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ વખતે રામલીલા વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. સાંજે ભવ્ય આતશબાજી બાદ મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના પૂત્તરાનું દહન કરાશે. આ પ્રસંગે સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
ગોધરામાં રાવણ દહન કાર્યક્રમ માટે નગરપાલિકા દ્વારા લાલબાગ મેદાન ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં વિશાળ પૂતળાં તૈયાર કરાયાં છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાની સંભાવનાને પગલે નગરપાલિકા દ્વારા બેઠક અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.