રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
તેઓ બ્રહ્માકુમારીઝના અભિયાનનો પણ પ્રારંભ કરાવશે અને વડોદરા ખાતે ‘ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ‘નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 75મા દીક્ષાંત સમારોહમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12 હજાર 600થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. જેમાં વાણિજ્ય ફેકલ્ટીના 6 હજાર 713 અને ટેકનોલોજી અને ઇજનેરી ફેકલ્ટીના 1 હજાર 102 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સમારોહ દરમિયાન, 160 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ કુલ 201 સુવર્ણ ચંદ્રકો એનાયત કરાશે. પદવીદાન કાર્યક્રમ બાદ, રાષ્ટ્રપતિ “વિશ્વ નવીકરણ માટે આધ્યાત્મિક જાગૃતિ” પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે અને ‘યુથ ફોર વિકસિત ભારત. રાષ્ટ્રનિર્માણ માટે આંતરિક શક્તિ જાગૃતિ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે.