નવરાત્રિ મહાપર્વના ચોથા નોરતે આજે માઁ દુર્ગાનાં ચોથા સ્વરૂપ માઁ કુષ્માંડાની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, પોતાનાં મંદ હાસ્યથી બ્રહ્માંડનું સર્જન કરનારાં માઁ કુષ્માંડા નવી ઉર્જા, શક્તિ અને તેજનું પ્રતીક છે. માઁ ભગવતી સૌના જીવનમાંથી અંધકાર અને રોગ-શોકને દૂર કરી, તમામને સકારાત્મક ઉર્જા, ઉત્તમ સ્વાસ્થ્ય અને યશ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
દરમિયાન અરવલ્લીમાં 300થી વધુ નવરાત્રિ મહોત્સવનું આયોજન થતા પોલીસ દ્વારા સુરક્ષાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી. તો, રાજ્યસભા સાંસદ મયંક નાયક મહેસાણામાં દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક સંગઠન દ્વારા યોજાયેલા ગરબા મહોત્સવમાં દિવ્યાંગ શાળાના બાળકોએ માતાજીની આરતી કરી ગરબામાં ભાગ લીધો. સુરતમાં ડુમસ પોલીસમથક વિસ્તારના વિવિધ સ્થળ પર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું. શહેરીજનો મનભરીને ગરબે ઘૂમે, આનંદથી નવરાત્રિ માણી સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરે તે માટે શહેર પોલીસ સજ્જ છે.
નર્મદામાં રાજપીપળાના પ્રસિદ્ધ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરમાં નવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. અહીં તૈયાર કરાયેલી કળાત્મક રંગોળી પ્રદર્શન દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.