નવેમ્બર 10, 2026 11:07 એ એમ (AM)

printer

રાજ્યભરમાં વહેલી સવારથી જ નવા વર્ષની ઉજવણી; મંદીરોમાં વિશેષ પૂજા અને અન્નકૂટના દર્શન

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજે પ્રારંભ થયો છે.

રાજ્યભરમાં લોકો હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે નવા વર્ષને વધાવી રહ્યા છે. આજે લોકો નવા વસ્ત્રો પહેરી મંદિરોમાં ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરે છે ત્યારબાદ સગા સંબંધીને મળી નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. એક બીજાને મીઠાઈ ખવડાવી સમગ્ર વર્ષ મીઠાશથી ભરેલું રહે અને આરોગ્ય સારું રહે તેવી કામના કરે છે.

ડાકોરના રણછોડરાય મંદિરમાં 125 – મણ અન્નકૂટ લૂંટવાની ચાલી આવતી વર્ષો જૂની પરંપરા અંતર્ગત ભક્તોએ અન્નકૂટ લૂંટવાનો લાહવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે ડાકોર ખાતે રણછોડરાયજીના મંદિરમાં દર વર્ષે દિવાળી પર્વમાં અન્નકૂટ લૂંટવાની સદીઓ જૂની પરંપરા ઉલ્લાસભેર ઉજવાય છે. જેમાં ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીકરૂપે શ્રીજી સમક્ષ ધરાવાયેલો પ્રસાદ લૂંટવામાં આવે છે,

ડાકોર ટેમ્પલ કમિટી તથા સેવક આગેવાનો દ્વારા આસપાસના 125 ગામોના દરબારોને અન્નકૂટ લૂંટવા માટે વિશેષ પત્ર લખીને આમંત્રણ પાઠવવાની પરંપરા છે. કાળિયા ઠાકોરની મહાઆરતી સંપન્ન થયા બાદ, નિમંત્રિત દરબારો ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરી, ઉઘાડા શરીરે મંદિરમાં પ્રવેશ કરીને અન્નકૂટ લૂંટવાનો ધાર્મિક લહાવો લે છે. ભક્તોમાં એવી માન્યતા છે કે આ લૂંટાયેલી પ્રસાદીને ખેતરમાં છાંટવાથી કે રાખવાથી આખું વર્ષ પાક વિપુલ પ્રમાણમાં થાય છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. આ પ્રસાદ ગ્રહણ કરવાથી રોગ-દોષમાંથી મુક્તિ મળે છે.   

અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે ગોવર્ધન પૂજાના પાવન અવસરે ભગવાન શામળિયાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દીપાવલીના તહેવારના બીજા દિવસે પરંપરા મુજબ અન્નકૂટનું આયોજન કરાયું હતું. જેમાં 33 જાતની મીઠાઈઓ અને 22 જાતનાં શાકભાજીની વિવિધ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ શામળિયાના અને અન્નકૂટનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

બોટાદના સ્વામિનારાયણના તિર્થધામ ગઢડા ગોપીનાથજી મંદિરે અન્નકૂટ દર્શન થયાં હતા. 200 વર્ષની પરંપરા મુજબ ગોપીનાથજી ભગવાનને ડ્રાયફ્રુટ, અલગ અલગ પ્રકારની મીઠાઈ, વિવિધ શાક, અથાણા સહિત 300 જેટલી વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો. દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકુટ દર્શન થતા હોય છે પરંતુ આ વર્ષે પડતર દિવસે અન્નકુટ ધરાવાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તજનોએ આ અન્નકૂટના દર્શન કર્યા હતા.