રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધુંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં સાડા સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદના બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામનગરમાં મોડી સાંજે વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં સરેરાશ અડધોથી 2 ઇંચ વરસાદ પડ્યો. ભુજમાં વહેલી સાવરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલમાં જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.કાલોલમાં અને ઘોઘંબામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. આણંદમાં ભારે વરસાદને કારણે ઠેક ઠેકાણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયાના અહેવાલ છે. પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતાં નવસારી અને સુરત જોડતો માર્ગ બંધ કરાયો. અમરેલીમાં જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગવાયું છે. જિલ્લામાં ધાતારવાડી એક ડેમ ઓવરફ્લો થતાં કાંઠાના ગામોના લોકોને સાવચેત કરાયા છે. દરમિયાન કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અમરેલીમાં ફાયર સ્ટેશનની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ સાધનો, સંસાધનો અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ડેમની સ્થિતિની વાત કરીએ તો, ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની હાલની સપાટી 129.85 મીટરે પહોંચી છે. છોટાઉદેપુરમાં ઉપરવાસ પડી રહેલા વરસાદને કારણે સુખી જળાશયનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી વખત ઓવર ફ્લો થતા 18 ગામોને ચેતવણી આપવામાં આવી છે.ડાંગમાં ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક માર્ગો પર ઓવર ટોપિંગ ને કારણે બંધ કરાયા છે. તાપી જિલ્લામાં પુર્ણા, અંબિકા, ઓલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થતા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા હતા. રાજ્યમાં વર્તમાન વરસાદની પરિસ્થતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મોડી રાત્રે SEOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતાં. આજે રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટની સંભાવનાને પગલે આગલી રાતે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી. અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2 આર્મીની કોલમ જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત કરાઇ છે. જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આર્મીને મોકલાવાઇ છે. આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે 16 હજાર 500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા અને 41 લોકોને રેસ્ક્યુ કરાયા છે. અત્યાર સુધીમા રાજ્યમાં મોસમનો 61.50 ટકા વરસાદ વરસી ગયો છે.
News On AIR | ઓગસ્ટ 1, 2026 10:27 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | akashvaninews | ભૂપેન્દ્ર પટેલ | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ | હવામાન | હવામાન વિભાગ
રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂધવાબંધ વરસાદ