સૌરાષ્ટ્રમાં અતિ લોકપ્રિય એવા જન્માષ્ટમીના લોકમેળાઓની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જેના ભાગરૂપે પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારને હવે એક માસ જેટલો સમય રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાં રાજકોટ બાદ બીજા ક્રમે આવતા પોરબંદરના સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓએ આખરી ઓપ લેવાનું શરૂ કરી દીધું છે. ચોપાટીના વિશાળ પટાંગણમાં યોજાનારા આ ભાતીગળ મેળામાં આ વર્ષે 450થી વધુ પ્લોટ ફાળવવામાં આવશે જેથી લોકોને ભીડનો સામનો કરવો પડશે નહીં તેમ મેયર સાગર મોદીએ જણાવ્યું હતું. આગામી ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી મૈત્રી, ભક્તિ અને સંસ્કૃતિના પાવન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રાઇડ્સ, અન્ય સ્ટોલ અને પ્લોટ માટેના ફોર્મનું વિતરણ ૫ તારીખથી નગરપાલિકાની ઓફિસ ખાતેથી શરૂ કરવામાં આવશે. નિયમો અનુસાર, જો કોઈપણ વેપારી છાપેલી કિંમત (MRP) કરતા વધુ ભાવે સામાન વેચશે તો તેમની ડિપોઝિટ કાયમી ધોરણે જપ્ત કરી લેવામાં આવશે. વધુમાં, આયોજન દરમિયાન વરસાદ આવે તો તેને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જ્યારે રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ પ્લોટના ડ્રો કરાયા હતાં. જેમાં રમકડા, ખાણીપીણી, મધ્યમ ચકરડી સહિત 130 પ્લોટના ડ્રો કરાયા હતા. હવે આજથી છ ઓગસ્ટ દરમિયાન એકઝીબિશન, યાંત્રિક, આઈસક્રીમ સહિત પ્લોટ માટે ડ્રો યોજાશે.
News On AIR | ઓગસ્ટ 4, 2026 12:15 પી એમ(PM)
સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તડામાર તૈયારીઓ