ઓગસ્ટ 22, 2026 10:39 એ એમ (AM)

printer

રાજ્યભરમાં પોલીસનું કેફી દ્રવ્યોને ઝડપવા માટે વ્યાપક અભિયાન – અનેક સ્થળેથી નશાકારક પદાર્થ ઝડપ્યાં

ભાવનગરના લઠ્ઠાકાંડના બનાવ બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કોમ્બિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર દિગ્જામ સર્કલ તેમજ બાવરી વાસ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને દેશી દારુ બનાવવાની સમાગ્રી જપ્ત કરી હતી, જેનો સ્થળ પર નાશ કરાયો હતો. ડ્રાઈવમાં દારૂબંધી ભંગના 17 કેસ નોંધાયા હતા, 45 વાહન ચકાસવામાં આવ્યા હતા. તે ઉપરાંત મિલકત સંબંધી ગુન્હાના નવ જૂના આરોપી, દારૂબંધી ભંગના 25 આરોપી અને એક રીઢા આરોપીની પણ પૂછપરછ કરાઈ હતી.

અમરેલી જીલ્લામાં કેફી દ્રવ્યો બનાવતાં સ્થળો પર 57 પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન નવ મહિલાઓ સહીત 42 વ્યક્તિઓને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે જીલ્લામાં પોલીસે બે વાહન ચાલકો સહિત 14 વ્યક્તિઓને નશો કરેલી હાલતમાં ઝડપી લીધાં હતા.
જ્યારે અમદાવાદના નારોલ પોલીસે અટલ આવાસ યોજનાના એક મકાનમાં દરોડા પાડીને એક વ્યક્તિની નશાકારક પદાર્થ સાથે ધરપકડ કરી હતી.

આ ઉપરાંત ભરૂચની અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા યોગી એસ્ટેટ વિસ્તારમાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી બાદ વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.