અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા રોજના હજારો દર્દીઓને ઝડપી અને સુગમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા નવી કતાર વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને કમિશ્નર ડો. સંધ્યા ભુલ્લરના માર્ગદર્શન હેઠળ દર્દીઓનો સમય બચાવવા અને ભીડ નિયંત્રિત કરવા માટે આ નવીન વ્યવસ્થા શરૂ કરાઈ છે.
‘પેશન્ટ ફ્લો’ સુવ્યવસ્થિત કરવાનો મુખ્ય હેતુ
આ નવી સિસ્ટમ અંગે માહિતી આપતા હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ તમામ પ્રયાસોનો મુખ્ય હેતુ માત્ર કતાર ઘટાડવાનો નથી, પરંતુ દર્દીને યોગ્ય સેવા યોગ્ય સ્થળે અને શક્ય તેટલા ઓછા સમયમાં મળે તે માટે સમગ્ર ‘પેશન્ટ ફલો’ને સુવ્યવસ્થિત કરવાનો છે. વિવિધ સેવાઓને અલગ-અલગ સ્થળે વિતરિત કરીને એક જ જગ્યાએ થતી ભીડ ટાળવામાં આવી છે, જેનાથી દર્દીઓનો રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

OPD અને રિપોર્ટ સિસ્ટમમાં ધરખમ ફેરફાર
હોસ્પિટલમાં રોજના 3500 થી 4000 દર્દીઓમાંથી અંદાજે 2000 નવા કેસ નોંધાય છે. આ ભારણ ઘટાડવા કેસ બારીઓની સંખ્યા 9 થી વધારીને 12 કરાઈ છે. ઓર્થોપેડિક, મેડિસિન અને સર્જરી સહિતની મેજર OPD માં ટોકન સિસ્ટમ અને આરામદાયક બેઠક વ્યવસ્થા શરૂ કરાઈ છે. ભીડ ઘટાડવા માટે ફોલો-અપ દર્દીઓને સાંજના સમયે બોલાવવા તબીબોને સૂચના અપાઈ છે. એટલું જ નહીં, આગામી 2-3 દિવસમાં દર્દીઓને તેમના રિપોર્ટ સીધા WhatsApp પર મળી જાય તેવી ડિજિટલ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે.
બિલિંગ, રેડિયોલોજી અને લેબોરેટરીમાં ઝડપી સેવા
બિલિંગ કાઉન્ટર 1 થી વધારીને 2 કરાયા છે. હવે સોફ્ટવેરમાં સુધારો કરી એક જ રિસિપ્ટથી કામ થશે અને દર્દીઓ ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે. રેડિયોલોજી વિભાગમાં રજિસ્ટ્રેશન અને બિલિંગ વિન્ડો બાજુબાજુમાં ગોઠવાતા દર્દીઓને બે વાર લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત, જૂની OPD માં સેમ્પલ કલેક્શન કાઉન્ટર 4 થી વધારી 6 અને 1200 બેડ હોસ્પિટલમાં 2 થી વધારી 4 કરાયા છે. સામાન્ય તાવ, શરદી જેવી બીમારીઓ માટે રૂમ નંબર 75 માં અલગ ‘ફેમિલી મેડિસિન OPD’ પણ શરૂ કરાઈ છે.
આગામી સમયમાં હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે નવા માહિતી દર્શક સાઈનેજીસ (બોર્ડ) લગાવવાની પણ વિચારણા ચાલી રહી છે. સિવિલ તંત્રના આ શ્રેણીબદ્ધ નિર્ણયોથી ભવિષ્યમાં આરોગ્ય સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને દર્દી-મૈત્રીપૂર્ણ બનશે.
