ઈરાન સમર્થિત યમનના હૂથિ બળવાખોરોએ લાલ સાગરના પ્રવેશદ્વાર પર આવેલા બાબ અલ-મન્ડેબ સમુદ્રધૂનીના મયૂન ટાપુ પર કબજો કરી લીધો. તેનાથી સાઉદી અરબના તેલ નિકાસ પર વધુ જોખમ સર્જાઈ શકે છે. યમનની આંતર-રાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત સરકારના એક વરિષ્ઠ સૈન્ય અધિકારી અને એક હૂથિ અધિકારીએ મયૂન પર કબજાની પુષ્ટિ કરી છે. આ ટાપુ યમનના પશ્ચિમી કાંઠાથી અંદાજે સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલો છે.
સાઉદી અરબે વળતી કાર્યવાહી કરતા મુખ્ય બંદર શહેર મોખાના વિમાનમથક પર હવાઈ હુમલા કર્યા, જેની પર હૂથિ બળવાખોરોએ ગઈકાલે કબજો કર્યો હતો. આ પહેલા શુક્રવારે ઈરાન સરકારે સાઉદી અરબ દ્વારા યમનની નાકાબંધી સમાપ્ત કરવાનું આહ્વાન કર્યું અને તેના સહયોગી હૂથિ બળવાખોરો પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું. બળવાખોરોના મોખામાં પ્રવેશ બાદ ઈરાનના વિદેશ મંત્રાલયે સાઉદી અરબ અને હૂથિ બળવાખોરો વચ્ચે સંવાદ ફરીથી શરૂ કરવાનું પણ આહ્વાન કર્યું.