પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ રેલવે સ્ટેશન પર સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ટેકનોલોજીકલ અપગ્રેડેશનના કારણે આગામી રવિવાર, 23 ઓગસ્ટના રોજ વલસાડથી પસાર થતી અનેક ટ્રેનોના શિડ્યુલ પર સીધી અસર પડશે. સુરક્ષાના ભાગરૂપે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરાઈ છે, જ્યારે કેટલીક ટ્રેનો આંશિક રદ કરાઈ છે અથવા મોડી દોડશે.
નવી કમ્પ્યુટરાઇઝ્ડ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ કાર્યરત કરાશે
રેલવે તંત્ર દ્વારા વલસાડ સ્ટેશન પર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રેલવે CPRO વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, સુરક્ષિત અને ઝડપી ટ્રેન વ્યવહાર માટે જૂની ‘રૂટ રિલે ઇન્ટરલોકિંગ’ પ્રણાલી દૂર કરી તેના સ્થાને નવી અને અદ્યતન ‘ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ’ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. આ નવી સિસ્ટમથી ભવિષ્યમાં સિગ્નલ નિષ્ફળ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ટ્રેન ઓપરેશન વધુ સુરક્ષિત બનશે. આ કામગીરી દરમિયાન નોન-ઇન્ટરલોક વર્કિંગ પદ્ધતિનો ઉપયોગ થશે.
23 ઓગસ્ટે આ ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે
મુસાફરોની જાણકારી માટે રેલવેએ રદ થયેલી ટ્રેનોની યાદી જાહેર કરી છે. જે મુજબ, 19055 બાંદ્રા ટર્મિનસ – ઉધના ઇન્ટરસિટી, 20996 બાંદ્રા ટર્મિનસ – અજમેર સુપરફાસ્ટ, 69153 ઉમરગામ રોડ – વલસાડ MEMU, 22929 દહાણુ રોડ – વડોદરા એક્સપ્રેસ, 22930 વડોદરા – દહાણુ રોડ એક્સપ્રેસ અને 69154 વલસાડ – ઉમરગામ રોડ MEMU ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.
આંશિક રીતે રદ અને શોર્ટ ટર્મિનેટ થયેલી ટ્રેનો
કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે. જેમાં 20959 વલસાડ – વડનગર ઇન્ટરસિટી અને 04120 વલસાડ – સુબેદારગંજ સ્પેશિયલ ઉધનાથી ઉપડશે. આ ઉપરાંત 12929 વલસાડ – વડોદરા ઇન્ટરસિટી નવસારીથી, 69151 વલસાડ – સુરત MEMU અમલસાડથી અને 19011 વલસાડ – દહાણુ રોડ એક્સપ્રેસ બિલિમોરાથી પોતાની સફર શરૂ કરશે.
વંદે ભારત અને તેજસ સહિતની ટ્રેનો મોડી દોડશે
અપગ્રેડેશન કામગીરીને કારણે મુખ્ય ટ્રેનોના સમયમાં પણ વિલંબ થશે. 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ, 82902 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અને 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ 35 મિનિટ મોડી દોડશે. જ્યારે 69141 વિરાર – સુરત MEMU 30 મિનિટ મોડી અને 19015 દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 2 કલાક માટે રી-શિડ્યુલ કરવામાં આવી છે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને થતી અસુવિધા ટાળવા માટે અગાઉથી જાણ કરવામાં આવી છે અને મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચેક કરવા અપીલ કરાઈ છે. કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થઈ જશે.