રાજ્યભરમાં આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી પરિવારોના જીવનની સરળતામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે આદિવાસી યુવાનોને આધુનિક શિક્ષણ અને રોજગારી આપવા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો, આદર્શ નિવાસી શાળાઓ અને નવી મેડિકલ સાયન્સ કોલેજોનું નેટવર્ક ઊભું કર્યું છે. વન અધિકાર અધિનિયમ હેઠળ હજારો આદિવાસી પરિવારોને જમીનના સનદ-હક્ક પત્રો સુપ્રત કરી તેમને જમીનના માલિકી હક્ક આપવામાં આવ્યા છે.’વનબંધુ કલ્યાણ યોજનાએ રાજ્યના આદિવાસી વિસ્તારોના માળખાકીય વિકાસને નવી દિશા આપી છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ભવ્ય આદિવાસી એકતા રેલી યોજાશે. રેલીમાં, પરંપરાગત આદિવાસી વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને પરંપરાગત નૃત્ય-સંગીતનું વિશેષ આકર્ષણ રહેશે. સુરત શહેરમાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય અને સાંસ્કૃતિક મહારેલી યોજાશે. જેમાં પરંપરાગત વાજિંત્રો, પ્રકૃતિ પૂજાના સાધનો અને પરંપરાગત પોશાક મોટી સંખ્યામાં લોકો જોડાશે. શહેરના નવયુવાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર વિષયો પર એક વિશેષ નાટક અને પોડકાસ્ટ રજૂ કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 9, 2026 11:39 એ એમ (AM)
રાજ્યભરમાં આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન