યુનાઈટેડ નેશન્સ દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ, જેતપુર પાવી, બોડેલી, સંખેડા, નસવાડી, કવાંટ અને છોટાઉદેપુર સહિતના વિવિધ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઢોલ-નગારાં સહિતના પરંપરાગત વાદ્યોના તાલે નાચગાન સાથે રેલીમાં જોડાયા હતા.
રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની આગવી ઝલક જોવા મળી હતી. વિવિધ સ્થળોએ જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી જાહેર સભાઓમાં આદિવાસી સમાજને મળેલા બંધારણીય અધિકારો, હક્કો અને સમાજના વિકાસ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જેતપુર પાવી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને 10 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના નિધનને પગલે પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉજવણી દરમિયાન સામાજિક એકતાનો પણ સુંદર સંદેશ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ અને બારીયા સમાજના આગેવાનો દ્વારા રેલીમાં જોડાયેલા લોકો માટે લીંબુ શરબત, ચા અને નાસ્તાના સ્ટોલ ઉભા કરી સેવા કરવામાં આવી હતી. આમ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, બંધારણીય હક્કો અને સામાજિક એકતાનો સંદેશ એકસાથે જોવા મળ્યો હતો.