વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ ખાતે ભવ્ય મહા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આદિવાસી સમાજના ભાઈ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી દિવસના મહત્વ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ તેમણે રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મોટી દમણના લાઈટ હાઉસથી શરૂ થયેલી બાઈક રેલી ઝાંપોર, નાયલપારડી, મગરવાડા, ઝરી અને બિરસા મુંડા સર્કલ થઈ કચીગામ, રિંગળવાડા, ભેંસરોડ, મશાલ ચોક દલવાડા, ભીમપોર અને દેવકા થઈ નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું.
રેલીનું વિવિધ ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા ભાઈ-બહેનો માટે ઠંડા પીણા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સહયોગ બદલ દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ઘોડીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાની સુંદર ઝલક જોવા મળી હતી.