ઓગસ્ટ 14, 2026 1:53 પી એમ(PM)

printer

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 190મી SLBC બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય બેન્કર્સ સમિતિની 190મી બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રીએ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગકારો, મહિલા સાહસિકો, ગ્રામીણ કારીગરો તથા નાના ખેડૂતો સહિત છેવાડાના નાગરિકો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા માટે બેંકિંગ ક્ષેત્રને આહવાન કર્યું હતું.

ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવામાં બેંકિંગ ક્ષેત્રનો અગત્યનો ફાળો

બેઠકને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ ઝડપથી ગતિમાન છે, ત્યારે દેશ અને રાજ્યના આ આર્થિક વિકાસમાં બેંકિંગ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે નાણાકીય સમાવેશન દ્વારા નાના અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે સક્ષમ બનાવવાથી જ વિકાસની સાચી દિશા નક્કી થશે.

સૂક્ષ્મ ઉદ્યોગો અને નાના ખેડૂતોને સરળતાથી ધિરાણ આપવા ટકોર

મુખ્યમંત્રીએ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ અનુરોધ કર્યો હતો કે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગસાહસિકો, ગ્રામીણ ક્ષેત્રના પરંપરાગત કારીગરો તેમજ નાના ખેડૂતોને લોન કે ધિરાણ મેળવવામાં કોઈ પણ પ્રકારની જટિલ પ્રક્રિયાનો સામનો ન કરવો પડે. બેંકો દ્વારા છેવાડાના માનવી સુધી નાણાકીય સહાય સરળતાથી પહોંચે તે બાબત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

સરકારી યોજનાઓની અરજીઓનો ઝડપી નિકાલ કરવા આદેશ

આ ઉપરાંત, વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ હેઠળ બેંકોમાં આવતી ધિરાણ અંગેની અરજીઓનો બિનજરૂરી વિલંબ વિના ત્વરિત અને સકારાત્મક નિકાલ કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી. તેમણે તમામ સરકારી યોજનાઓ હેઠળ મહત્તમ પાત્ર લાભાર્થીઓને કવરેજ મળે અને યોજનાકીય લાભો સમયસર પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા બેંકિંગ તંત્રને સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.