અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર અને સબ-જુનિયર એક્વાટિક ચેમ્પિયનશિપ 2026 માં વડોદરાના તરવૈયાઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વડોદરાની ટીમે 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 110 મેડલ પોતાના નામે કરીને સ્પર્ધાત્મક સ્વિમિંગમાં સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ તરીકેનું બિરુદ મેળવીને વર્ચસ્વ સાબિત કર્યું છે.
બે તબક્કામાં યોજાઈ હતી સ્પર્ધા
અમદાવાદમાં 26 થી 28 જૂન અને 4 થી 5 જુલાઈ દરમિયાન બે અલગ-અલગ તબક્કામાં આ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુનિયર અને સબ-જુનિયર એક્વાટિક ચેમ્પિયનશિપમાં વડોદરાના યુવા ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવતા 28 ગોલ્ડ, 36 સિલ્વર અને 46 બ્રોન્ઝ મેડલ જીતીને અદભુત રમતનું પ્રદર્શન કર્યું હતું. આ વિજેતા આંકડો સ્વિમિંગ ક્ષેત્રે વડોદરાનું પ્રભુત્વ સ્પષ્ટ કરે છે.
મેડલ વિજેતા ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
વડોદરા તરફથી માધવ દૌડિયાએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરતા 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે અવનિ સિંહે 3 ગોલ્ડ અને 2 સિલ્વર તથા જૈવલ જાનીએ 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
આ ઉપરાંત અન્ય ગોલ્ડ મેડલ વિજેતાઓમાં ભવ્ય મહેતા (2 ગોલ્ડ, 4 સિલ્વર), જયદીપ કથિરીયા (2 ગોલ્ડ, 3 સિલ્વર), સ્મૃતિ સિંહ (2 ગોલ્ડ, 3 સિલ્વર), હર્ષ માહેશ્વરી (2 ગોલ્ડ, 1 સિલ્વર, 3 બ્રોન્ઝ), હર્ષિલ વાઘ (2 ગોલ્ડ, 3 બ્રોન્ઝ), આરુષ લાંજેવાર (2 ગોલ્ડ, 1 બ્રોન્ઝ), શુભમ મેર (2 ગોલ્ડ), હિમાની ચૌહાણ (1 ગોલ્ડ, 4 સિલ્વર) અને ગુરપ્રીત સિંહ સિંધુએ 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને વડોદરાનું નામ રોશન કર્યું હતું. આ સિવાય અન્ય ઘણા સ્વિમર્સે પણ વિવિધ વયજૂથમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સઘન તાલીમ લાવી રંગ
ખેલાડીઓની આ અસાધારણ સિદ્ધિ પાછળ મહિનાઓની શિસ્તબદ્ધ તાલીમ રહેલી છે. આ તમામ ખેલાડીઓ કોચ વિવેક સિંહ બોરલિયા અને કૃષ્ણા પંડ્યા તેમજ ટ્રેનર સુબોધ કુમાર અને બિપિન કુમારના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે. આ પરિણામે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ગુજરાતના અગ્રણી સ્વિમિંગ સેન્ટર તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે.
અધિકારીઓ દ્વારા પાઠવાયા અભિનંદન
વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ અને જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમે તમામ એથ્લેટ્સ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. આગામી સમયમાં આ યુવા સ્વિમર્સ રાષ્ટ્રીય સ્તરે પણ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઝળહળતી સફળતા મેળવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.