ઓગસ્ટ 24, 2026 5:04 પી એમ(PM)

printer

વડોદરાના વાઘોડિયાના યુવાને 15 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી મિસાલ સર્જી

વડોદરાના વાઘોડિયા તાલુકાના ખંધા ગામના 32 વર્ષીય યુવા ખેડૂત કીર્તન કંચન પટેલ માટે ખેતી એ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ તેમના જીવનની એક શૈલી બની ગઈ છે. છેલ્લા 7 વર્ષથી તેઓ પોતાના 15 વીઘાના ખેતરમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જે અન્ય ખેડૂતો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

ખેતરમાં 11 વીઘામાં ડાંગર અને 4 વીઘામાં શાકભાજી-ફળોનું ઉત્પાદન

કીર્તન પટેલ તેમના 15 વીઘા ખેતરમાંથી 11 વીઘામાં ડાંગરનો પાક લે છે. જ્યારે બાકીના 4 વીઘા જમીનનો ઉપયોગ તેઓ પોતાના પરિવારની દૈનિક જરૂરિયાતો સંતોષવા માટે વિવિધ પ્રકારના પાકો, શાકભાજી અને ફળો ઉગાડવા માટે કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમના પરિવારને બહારના બજારમાંથી માત્ર મીઠું, ખાંડ અને ચા જ ખરીદવી પડે છે; બાકીની તમામ ખાદ્ય ચીજવસ્તુઓ તેમને પોતાના જ ખેતરમાંથી શુદ્ધ સ્વરૂપે મળી રહે છે.

4 વીઘાના ફૂડ ગાર્ડનમાં 30 થી વધુ જાતના શાકભાજી અને વિદેશી ફળો

તેમણે 4 વીઘામાં તૈયાર કરેલા ફૂડ ગાર્ડનમાં અદ્ભુત વૈવિધ્ય જોવા મળે છે. આ બગીચામાં બ્રોકોલી અને લાલ કોબીજ સહિત 30 થી વધુ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ ખજૂર, ડ્રેગન ફ્રૂટ, નાળિયેર, ચીકુ, સીતાફળ, ચેરી, મોસંબી, ફાલસા, આલુબુખારા, તાડફળી અને કમરખ જેવા ફળો પણ પકવે છે. વિશેષ બાબત એ છે કે, તેઓ દુર્લભ ગણાતા લાલ જામફળ સહિત જામફળની 7 જાતો અને 8 થી 10 પ્રકારના મસાલાઓનું પણ સફળતાપૂર્વક ઉત્પાદન કરે છે.

ઘરગથ્થુ જરૂરિયાતો ખેતરમાંથી જ પૂરી થતાં આર્થિક બચત

ખેતરમાં ઉગાડવામાં આવતી શેરડીનો ઉપયોગ પરિવાર માટે ગોળ બનાવવા માટે થાય છે. જ્યારે મગફળી, તલ અને નાળિયેરની ખેતી થકી તેઓ ઘરની રસોઈ માટેનું ખાદ્યતેલ અને માથામાં નાખવાનું તેલ પણ જાતે જ તૈયાર કરે છે. આ પ્રાકૃતિક પદ્ધતિથી બાહ્ય બજાર પર તેમની નિર્ભરતા નહિવત્ થઈ ગઈ છે. કીર્તન પટેલ ગર્વ સાથે કહે છે કે, મીઠું, ખાંડ અને ચા સિવાય અમારે બજારમાંથી ભાગ્યે જ કંઈ ખરીદવું પડે છે.

પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પરિવારને દરરોજ તાજો અને રસાયણમુક્ત ખોરાક મળે છે. સાથે જ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ થતો મોટો ખર્ચ પણ બચી જાય છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે. કીર્તન પટેલની આ સાત વર્ષની સફર સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર પાક ઉત્પાદન પૂરતી સીમિત નથી, પરંતુ તે ખાદ્ય સુરક્ષા, સ્વસ્થ જીવનશૈલી અને ખેતરની ટકાઉ આવક ઊભી કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.