વડોદરાના એક 83 વર્ષીય વૃદ્ધે ફોટોગ્રાફીના ઇતિહાસને જીવંત રાખવા માટે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરી છે. શાંતિલાલ ગજ્જર નામના આ કેમેરા પ્રેમીએ વર્ષ 1930 ના દાયકાથી લઈને 2005 સુધીના અંદાજે 400 જેટલા દુર્લભ અને વિન્ટેજ કેમેરાઓનો સંગ્રહ ઊભો કર્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ સંગ્રહમાં રહેલા મોટાભાગના કેમેરા આજે પણ ચાલુ હાલતમાં છે.
રેડિયો ટેકનિશિયનથી શરૂ થઈ કેમેરા કલેક્શનની સફર
શાંતિલાલ ગજ્જરનો કેમેરા પ્રત્યેનો પ્રેમ ત્યારે શરૂ થયો જ્યારે તેઓ એક રેડિયો ટેકનિશિયન તરીકે કામ કરતા હતા. ધીમે ધીમે તેમણે કેમેરા રિપેરિંગ અને ત્યારબાદ પ્રોફેશનલ ફોટોગ્રાફી ક્ષેત્રે ઝંપલાવ્યું. વિન્ટેજ કેમેરા મોડેલ્સના રિપેરિંગ અને સંગ્રહ માટે પોતાને સમર્પિત કરતા પહેલાં તેમણે વર્ષો સુધી લગ્નો અને શહેરના વિવિધ કાર્યક્રમોમાં ફોટોગ્રાફી કરી હતી. જૂના શહેરમાં આવેલી તેમની કેમેરા રિપેરિંગની દુકાન આજે ફોટોગ્રાફરો અને કેમેરાના શોખીનો માટે એક જાણીતું સરનામું બની ગઈ છે.
સ્પાય કેમેરાથી શરૂઆત, સંગ્રહમાં સ્નાઈપર અને રેડિયો કેમેરા પણ સામેલ
તેમના 400 કેમેરાના વિશાળ સંગ્રહમાં પોલેરોઇડ કેમેરા, રેડિયો કેમેરા, સ્નાઈપર ગન શૈલીનો કેમેરો, ચાવીથી ચાલતો કેમેરો, સ્પ્રિંગ-વાઇન્ડિંગ મોડેલ્સ અને વિવિધ આકારના કેમેરા સામેલ છે, જેમાં વડોદરાના ખાસ 5 કેમેરા પણ છે. પોતાના સંગ્રહ વિશે ગર્વથી વાત કરતા શાંતિલાલ ગજ્જરે જણાવ્યું હતું કે, “જ્યારે મને મારા મિત્રની દુકાનેથી એક અસાધારણ મિનીએચર કેમેરો મળ્યો, ત્યારે વિન્ટેજ કેમેરા પ્રત્યેનો મારો શોખ વધુ વધ્યો હતો. તેને ફેંકી દેવાને બદલે મેં રાખી લીધો અને ત્યાંથી જ આ કલેક્શનની શરૂઆત થઈ હતી. લોકો મોડેલ સરળતાથી સમજી શકે તે માટે તેમણે આ તમામ કેમેરાની વિગતોનું વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે.
યુવા પેઢી માટે ભવિષ્યમાં મ્યુઝિયમ બનાવવાની પ્રબળ ઈચ્છા
આજે પણ શાંતિલાલ ગજ્જર નવા વિન્ટેજ કેમેરાની શોધમાં રહે છે અને તેમના પુત્ર અતીતને પણ આ ઐતિહાસિક વારસો જાળવવા પ્રોત્સાહિત કરે છે. શાંતિલાલ ગજ્જરે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, “મારે યુવા પેઢીને આ અનોખા કેમેરા અને ફોટોગ્રાફીની દુનિયા વિશે જાગૃત કરવી છે. મારી ભવિષ્યમાં એક મ્યુઝિયમ ખોલવાની અને આવનાર પેઢીઓ માટે આ દુર્લભ કેમેરાઓ પ્રદર્શિત કરવાની પ્રબળ ઈચ્છા છે.
શાંતિલાલ ગજ્જર માટે આ કેમેરા માત્ર મશીન નથી, પરંતુ દરેક કેમેરો એક વાર્તા ધરાવે છે અને ફોટોગ્રાફીના ઇતિહાસને સાચવવાનો એક જીવંત માર્ગ છે. ભવિષ્યમાં તેમનું મ્યુઝિયમ ફોટોગ્રાફીના રસિયાઓ માટે મોટું આકર્ષણ બની શકે છે.