સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના 25 વર્ષ અને સહકારી જીનના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કૃષિ મંત્રી જીતુવાઘાણીની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા, પેદાશોનું મૂલ્યવર્ધન કરવા અને નકલી બિયારણ સામે સરકારની કડક નીતિઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન સમયની માંગ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ માત્ર કાચી પેદાશો વેચવા પૂરતું સીમિત ન રહેતા પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ દ્વારા મૂલ્યવર્ધન કરવું જોઈએ, જેથી તેમની મહેનતનું યોગ્ય આર્થિક વળતર મળી શકે. તેમણે રાસાયણિક ખેતીથી વધતા કેન્સર, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. માતાના દૂધમાં પણ હાનિકારક રસાયણો જોવા મળ્યા હોવાનો ઉલ્લેખ કરી તેમણે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડના આધારે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.
નકલી બિયારણ વેચનારાઓ સામે થશે કડક કાનૂની કાર્યવાહી
ખેડૂતોના હિતોના રક્ષણ માટે સરકારની કટિબદ્ધતા દર્શાવતા મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે બજારમાં નકલી બિયારણ વેચીને ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર અને કૃષિ ક્ષેત્રને નુકસાન પહોંચાડનાર તત્વો સામે પી.બી.એમ. કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ખેડૂતોને ગ્રીનહાઉસ સબસિડી, ડિજિટલ ટેકનોલોજી અને સરકારની અન્ય કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા જણાવાયું હતું.
પર્યાવરણ રક્ષણ: સોલર રૂફટોપ અને બાયો-CNG પર ભાર
ગ્રામ્ય અને કૃષિ વિકાસની સમાંતર વાત કરતા મંત્રીએ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર રૂફટોપ અપનાવી સ્વચ્છ ઊર્જાનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું. આ સાથે કૃષિ અવશેષો અને જૈવિક કચરાના યોગ્ય નિકાલ દ્વારા મૂલ્યવર્ધન કરવા બાયો-CNG પ્લાન્ટ સ્થાપવા પર પણ ભાર મૂક્યો હતો.
અગ્રણીઓ અને વેપારીઓનું વિશેષ સન્માન
5 દાયકાથી કાર્યરત આ સહકારી સંસ્થાઓની વિકાસયાત્રામાં યોગદાન આપનાર અગ્રણીઓ, કર્મચારીઓ અને વેપારીઓનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ પરમાર, APMC અને જીનના ચેરમેન વિજય પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.