અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા સાથે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટોને કારણે અમેરિકા હાલમાં નવા પ્રતિબંધો લાદવાનું ટાળી રહ્યું છે.
એક મીડિયા બ્રીફિંગમાં, શ્રી ટ્રમ્પે જણાવ્યું વધારાના આર્થિક પ્રતિબંધો રશિયા સાથે સંવેદનશીલ વાટાઘાટોમાં પ્રગતિને અસર કરી શકે છે. જરૂરી હોય તો અમેરિકા ગમે ત્યારે પ્રતિબંધો લાદી શકે છે, પરંતુ વર્તમાન રાજદ્વારી પ્રયાસોને જોતાં સાવધાની રાખવી જરૂરી છે.
પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર રશિયા અને ચીન સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની શક્યતા અંગેના પ્રશ્નના જવાબમાં, શ્રી ટ્રમ્પે તેઓ આવી વાતચીત માટે તૈયાર છે તેમ જણાવતા આ બેઠકને પરમાણુ શસ્ત્રોને નાબૂદ કરવા તરફ એક સકારાત્મક પગલું ગણાવ્યું હતું.
દરમિયાન ટ્રમ્પે ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવતા અટકાવવાને મોટી વહીવટી સિદ્ધિ ગણાવી છે. તેમણે દાવો કર્યો કે જો અમેરિકાએ હસ્તક્ષેપ ન કર્યો હોત, તો ઈરાન અત્યાર સુધી આ શસ્ત્રોનો ઉપયોગ કરી ચૂક્યું હોત.