ઓગસ્ટ 21, 2026 8:33 એ એમ (AM)

printer

લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની બેન્ચ સ્થાપવા કેબિનેટની મંજૂરી.

કેન્દ્રીય મંત્રીમંડળે લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી હતી. આ પગલાને લદ્દાખમાં ન્યાયિક સેવાઓની પહોંચ વધુ સરળ બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, લદ્દાખના દૂરના અને સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને ન્યાય મેળવવા માટે લાંબું અંતર કાપવું ન પડે અને તેમને કાનૂની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ છે. હાઈકોર્ટની બેન્ચની સ્થાપનાથી સ્થાનિક નાગરિકો તેમજ કાનૂની વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ સુવિધા મળવાની અપેક્ષા છે.
લદ્દાખના ભૌગોલિક રીતે વિશાળ અને દુર્ગમ વિસ્તારોને ધ્યાનમાં લેતાં ન્યાયિક સેવાઓની સ્થાનિક સ્તરે ઉપલબ્ધતા મહત્વપૂર્ણ બની રહે છે. નવી બેન્ચના કારણે ન્યાયિક પ્રક્રિયા સુધી પહોંચ વધુ સુલભ બનશે અને કેસ સંબંધિત કામગીરી માટે અન્ય સ્થળોએ જવાની જરૂરિયાતમાં ઘટાડો થઈ શકે છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર લદ્દાખના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સાથે જ, લદ્દાખના નાગરિકોના અધિકારો અને બંધારણીય સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવા માટે પણ સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે સંયુક્ત હાઈકોર્ટની વ્યવસ્થા અમલમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ન્યાયિક માળખાને વધુ સુલભ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે લદ્દાખમાં બેન્ચની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો છે.