કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હરિત ઉર્જા મિશન અંગે મહત્વનો નિર્ણય લેવાયો. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સ્વચ્છ ઉર્જા મિશન હેઠળ 92 ગીગાવૉટ ઉર્જા સંગ્રહ યોજનાને મંજૂરી અપાઈ. તેનાથી સૌર ઉર્જાના સંગ્રહને મદદ મળશે.
મંત્રીમંડળે ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ સેવાથી બહાર થનારા અગ્નિવીરોના સેવાના સમયગાળાને બે વર્ષ વધારવાને પણ મંજૂરી આપી. આ અંગે મુખ્ય સંરક્ષણ વડા – CDS જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ કહ્યું, સેવાથી બહાર થનારા 75 ટકા અગ્નિવીરોને હવે બે વર્ષની વધારાની સેવાની તક અપાશે. ત્યારબાદ સશસ્ત્ર દળોમાં રહેવા માગતા અગ્નિવીરોને સેનામાં સામેલ કરાશે.
ઉપરાંત મંત્રીમંડળે વિશેષ ફાસ્ટટ્રેક અદાલતોની કેન્દ્ર પ્રાયોજિત યોજનાને 31 માર્ચ 2031 સુધી યથાવત્ રાખવાને પણ મંજૂરી આપી. તેમાં ખાસ કરીને પૉક્સો કેસની સુનાવણી માટે બનાવાયેલી અદાલતો પણ સામેલ છે. આ યોજના અંતર્ગત વિવિધ રાજ્યો અને કેન્દ્રસાસિત પ્રદેશોમાં 850 ફાસ્ટટ્રેક વિશેષ અદાલત સંચાલિત કરવાની જોગવાઈ છે.
ઉપરાંત મંત્રીમંડળે વર્ષ 2026-27થી 2030-31 માટે આંકડાકીય પરિવર્તન, વિશ્લેષણ અને સંશોધનમાં વિકસિત ભારત પહેલ – વિસ્તાર યોજનાને પણ મંજૂરી આપી. તે દેશની સત્તાવાર આંકડાકીય વ્યવસ્થાને અદ્યતન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. સાથે જ મંત્રીમંડળે મહત્વપૂર્ણ ખનીજ પ્રસંસ્કરણને પ્રોત્સાહન આપવા કેપેક્સ એટલે કે, મૂડીખર્ચ સહાય યોજનાને પણ મંજૂરી આપી.