ઓગસ્ટ 20, 2026 3:45 પી એમ(PM)

printer

દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર: 23,100 ક્યુસેક પાણી છોડાયું

દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની સતત આવકને કારણે જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમની જળસપાટી ઓગસ્ટ માસના નિર્ધારિત રૂલ લેવલને પાર કરી જતાં ડેમ વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવી રૂલ લેવલ જાળવી રાખવા માટે હાઇડ્રો પાવર સ્ટેશન અને કેનાલ મારફતે પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સતત નવી આવકથી ડેમની સપાટીમાં વધારો

ગુજરાતના સૌથી મોટા જળાશયો પૈકીના એક એવા ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની સતત આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે ડેમની સપાટી ઓગસ્ટ મહિનાના નિર્ધારિત રૂલ લેવલ કરતાં આગળ નીકળી ગઈ છે. જળાશયમાં પાણીનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં થઈ ચૂક્યો હોવાથી ડેમ તંત્ર દ્વારા પાણીના સ્તરનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

હાઇડ્રો પાવર સ્ટેશનના 4 યુનિટ કાર્યરત કરી વીજ ઉત્પાદન શરૂ

ડેમમાં હાલ 23,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આ આવકની સામે સત્તાધીશો દ્વારા ડેમના હાઇડ્રો પાવર સ્ટેશનના 4 યુનિટો કાર્યરત કરવામાં આવ્યા છે. પાવર સ્ટેશન અને નહેર વાટે પણ તેટલું જ એટલે કે 23,100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે એક તરફ મોટા પાયે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને બીજી તરફ સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.