ઓગસ્ટ 18, 2026 7:47 પી એમ(PM)

printer

UIDAI એ શાળાના બાળકોના 2 કરોડથી વધુ બાયોમેટ્રિક અપડેટ્સ પૂર્ણ કરીને રેકોર્ડ બનાવ્યો

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર કાર્ડમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રવ્યાપી મિશન-મોડ અભિયાનમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યો છે. આ ખાસ ડ્રાઇવ અંતર્ગત દેશભરમાં 2 કરોડથી વધુ શાળાકીય બાળકોના બાયોમેટ્રિક ડેટા સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવ્યા છે.

શાળાઓમાં જઈને 1 લાખ 56 હજારથી વધુ કેન્દ્રોને આવરી લેવાયા

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શાળાઓ માટે આ વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં દેશભરની 1 લાખ 56 હજારથી વધુ શાળાઓને આ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સેવા સીધી બાળકોની શાળા સુધી પહોંચી શકી છે, જેથી કરોડો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ પ્રક્રિયા ખૂબ જ સુલભ, ઝડપી અને અનુકૂળ બની ગઈ છે.

બાળકો માટે 5 અને 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત

આધારના નિયમો મુજબ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની નોંધણી વખતે માત્ર વસ્તી વિષયક માહિતી અને ફોટોગ્રાફ જ લેવામાં આવે છે. આ નાની ઉંમરે ફિંગરપ્રિન્ટ્સ અને આંખની કીકી વિકસિત થવાની પ્રક્રિયામાં હોવાથી તેમના બાયોમેટ્રિક્સ લેવામાં આવતા નથી. આથી, ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ એ સુનિશ્ચિત કરે છે કે બાળકના આધારમાં અદ્યતન માહિતી જળવાઈ રહે. આ માટે જ્યારે બાળક 5 વર્ષનું થાય અને ત્યારબાદ 15 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત બને છે.

7 થી 15 વર્ષના બાળકો માટે 1 વર્ષ સુધી શુલ્કમાં સંપૂર્ણ માફી

આ પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય અને સેવા વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી, UIDAI દ્વારા 1 ઓક્ટોબર 2025 થી 7 થી 15 વર્ષની વય જૂથના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટનો ચાર્જ એક વર્ષ માટે સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જો સમયસર આધારમાં બાયોમેટ્રિક અપડેટ કરવામાં ન આવે તો, ભવિષ્યમાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભ મેળવવામાં તેમજ યુનિવર્સિટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની નોંધણી માટે પ્રમાણીકરણ પ્રક્રિયામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.