અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, હોર્મુઝ સામુદ્રધુની હાલમાં અમેરિકાનો પ્રદેશ છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
દક્ષિણ કેરોલિનામાં શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવ્યું છે. તેમણે સંકેત આપ્યો હતો કે, ઈરાન અમેરિકા સાથે સોદો ઇચ્છે છે.
દરમિયાન, ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ગરીબાબાદીએ ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડા મોહસેન રેઝાઈએ પણ ટ્રમ્પની ટિપ્પણીઓની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે, હોર્મુઝને ફરીથી ખોલવામાં અમેરિકાની અસમર્થતા અને વ્યૂહાત્મક જળમાર્ગને નિયંત્રિત કરવાના તેના દાવા વચ્ચે મોટો તફાવત છે.
ઈરાની અધિકારીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી અમેરિકા ઈરાનની માંગણીઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોર્મુઝ સામુદ્રધુની બંધ રહેશે. ઈરાનની માંગણીઓમાં નાકાબંધી હટાવવી, ઈરાનની જપ્ત કરેલી સંપત્તિઓ મુક્ત કરવી અને તેલ પ્રતિબંધો હળવા કરવાનો સમાવેશ થાય છે.