નવેમ્બર 5, 2026 8:51 એ એમ (AM)

printer

‘તેરા તુજકો અર્પણ’ પહેલ અંતર્ગત આણંદ અને વડોદરામાં ત્રણ કરોડ રૂપિયાથી વધુની મિલકતો મૂળમાલિકોને સુપરત કરાઇ

ગુજરાત પોલીસની ‘તેરા તુજકો અર્પણ’ પહેલ અંતર્ગત આણંદ અને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. છેતરપિંડી, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા મૂળમાલિકોને તેમની ત્રણ કરોડ રૂપિયાથી વધુની મિલકતો પરત અપાઈ છે. જેમાં વડોદરામાં 11 પરિવારોને પોતાના ઘરના દસ્તાવેજ અને ચાવી મળી છે.

પલાસવાડા ખાતે આવેલા મીમ-સીટી પ્રોજેક્ટમાં જમીન માલિક અને ડેવલપર્સ વચ્ચેના આંતરિક વિવાદના કારણે આશરે બે કરોડ 75 લાખ રૂપિયાની કિંમતના તમામ 11 મકાનોના કાયદેસરના દસ્તાવેજ લાંબા સમયથી અટવાયેલા હતા. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને મિલકતો અને દસ્તાવેજો સુપરત કરાયા હતા.

આણંદ પોલીસની કામગીરીમાં 26 લાખની કિંમતનો ફ્લેટ, 37 લાખથી વધુની રોકડ રકમ અને ચેક, સાત વીઘા ખેતીની જમીનનો અસલ દસ્તાવેજ, રહેણાંક મકાન અને હોટલના દસ્તાવેજો, ઉપરાંત આઠ તોલા સોનું અને 400 ગ્રામ ચાંદી અરજદારોને પરત અપાવવામાં આવ્યાં હતા.