તાપી જિલ્લાની સોનગઢ પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ઓરિસ્સાથી ટ્રકમાં કોલસાની આડમાં છુપાવીને લાવવામાં આવતો 42 લાખ રૂપિયાની કિંમતનો 85 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ 64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સોનગઢના 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
કોલસાની આડમાં ચોરખાનું બનાવીને થતી હતી હેરાફેરી
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સોનગઢ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓરિસ્સા રાજ્યમાંથી એક ટ્રકમાં મોટા પાયે નશીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવી રહી છે અને આ જથ્થો સોનગઢ તરફ લવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સોનગઢ ચેકપોસ્ટ નજીક સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી એક ટ્રક પસાર થતાં પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રકમાં કોલસો ભરેલો હતો, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા કોલસાની નીચે એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં ગાંજાનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
42 લાખનો ગાંજો અને ટ્રક સહિત 64 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ટ્રકના ચોરખાનામાંથી કુલ 85 કિલો ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલા આ માદક પદાર્થની કિંમત અંદાજે 42 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ગાંજાના આ જથ્થા ઉપરાંત પોલીસે દાણચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ટ્રક પણ કબજે કરી છે. આમ, 42 લાખનો ગાંજો અને ટ્રક મળીને પોલીસે કુલ 64 લાખ રૂપિયાનો બમ્પર મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોનગઢના 3 આરોપીઓ ઝડપાયા, 2 શખ્સો ફરાર
આ આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાયના ગુનામાં સંડોવાયેલા સોનગઢના જ 3 આરોપીઓને પોલીસે ઘટનાસ્થળેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અન્ય 2 શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. જેથી પોલીસે તે બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની સઘન શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસે આ ગુના અંગેNDPS એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.