સપ્ટેમ્બર 30, 2026 6:54 પી એમ(PM)

printer

અમદાવાદના સ્ટાર્ટઅપનો પેલોડ ‘તપસ-1’ સ્પેસમાં થશે લૉન્ચ

ગુજરાતની સ્પેસટેક ઇકોસિસ્ટમ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે. અમદાવાદ સ્થિત એક સ્ટાર્ટઅપે સંપૂર્ણપણે સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઓબ્ઝર્વેશન પેલોડ તૈયાર કર્યો છે. ‘તપસ-1’ નામનો આ કેમેરા આગામી 1 ઓક્ટોબરે અમેરિકાથી ‘ફાલ્કન 9’ રોકેટ મારફતે અવકાશમાં લોન્ચ કરવામાં આવશે, જે પૃથ્વીના તાપમાન અને ગરમીની વધઘટનું સચોટ મોનિટરિંગ કરશે.

પૃથ્વીના ‘થર્મોમીટર’ તરીકે કાર્ય કરશે તપસ-1 

માત્ર 3 કિલોગ્રામ વજન ધરાવતો આ તપસ-1 કેમેરા પૃથ્વીની સપાટીથી 500 કિલોમીટર ઉપર ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત થશે. આ વિશેષ કેમેરા પૃથ્વી પરથી નીકળતી ગરમીના ફેરફારોને થર્મલ ઇન્ફ્રારેડ રેડિયેશન દ્વારા કેપ્ચર કરશે. કંપનીના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર ઊર્મિલ બખાઈના જણાવ્યા અનુસાર, “આ ટેક્નોલોજી પૃથ્વીના થર્મોમીટર તરીકે કાર્ય કરશે. તેના દ્વારા કૃષિ ક્ષેત્ર, અર્બન પ્લાનિંગ અને પાણીના સ્ટ્રેસ મોનિટરિંગ માટે અગત્યના ડેટા પ્રાપ્ત થશે.” આ AI આધારિત ડેટાનો ઉપયોગ જંગલોની આગ અને શહેરી વિસ્તારોમાં તાપમાનના રિયલ ટાઈમ ટ્રેકિંગ માટે પણ થશે.

ISRO ના પૂર્વ વૈજ્ઞાનિક સહિતના અનુભવીઓનું સાહસ 

આ ડીપ-ટેક સ્ટાર્ટઅપની શરૂઆત વર્ષ 2023 માં અમદાવાદ ખાતે શ્રવણસિંઘ ભાટી, 27 વર્ષનો અનુભવ ધરાવતા ISRO ના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. રાનેન્દુ ઘોષ અને ઊર્મિલ બખાઈ દ્વારા કરવામાં આવી હતી. કંપનીના CEO શ્રવણસિંઘના જણાવ્યા મુજબ, તપસ-1 ને સંપૂર્ણપણે ગુજરાતની લેબમાં જ વિકસાવવામાં આવ્યો છે અને તે 3 વર્ષ સુધી ભ્રમણકક્ષામાં કાર્યરત રહેશે. અગાઉ આ ટીમે અમદાવાદ મહાનગરપાલિકા સાથે શહેરના હીટ મેપિંગનો પાયલટ પ્રોજેક્ટ પણ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.

વર્ષ 2029 સુધીમાં વધુ 8 સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય 

હાલમાં 40 થી વધુ નિષ્ણાતોની ટીમ ધરાવતી આ કંપનીએ 60 કરોડ રૂપિયાનું ફંડિંગ મેળવ્યું છે. વિશેષ વાત એ છે કે, કંપની પાસે અત્યારથી જ 52 મિલિયન ડોલરના લેટર ઓફ ઇન્ટેન્ટ આવી ગયા છે, જેમાં 60 ટકા વિદેશી કંપનીઓ છે. આગામી આયોજન અંગે વાત કરતા સ્થાપકોએ જણાવ્યું હતું કે, વર્ષ 2029 સુધીમાં આવા વધુ 8 સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્યાંક છે.