સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું પંજાબી ફૂડ ખાવાને કારણે એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે. આ ગોઝારી ઘટનામાં 5 વર્ષની માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ અને કાર્યવાહીના આદેશ આપ્યા છે.
રેસ્ટોરન્ટના ભોજનથી સર્જાઈ ગંભીર હોનારત
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારે સ્થાનિક રેસ્ટોરન્ટમાંથી પનીરનું શાક મંગાવ્યું હતું. આ ભોજનનું ખાદ્યા બાદ પરિવારના 5 સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તમામને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી. આ ઘટનામાં આર્યા નામની 5 વર્ષીય માસૂમ બાળકીએ દુઃખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિવારના અન્ય 4 સભ્યોને તાત્કાલિક પુણાગામ ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે.
આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે યોજી તાકીદની બેઠક
માસૂમ બાળકીના મોતના અહેવાલ મળતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ અને સુરત મહાનગરપાલિકાના ડો. ઉમરીગર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા તાકીદની બેઠક યોજી હતી. મંત્રીએ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવીને જવાબદારો સામે જરૂરી તમામ તબીબી અને વહીવટી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપી છે. વધુમાં, તેમણે સદવિચાર હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત કરીને અસરગ્રસ્ત પરિવારના અન્ય 4 દર્દીઓને સર્વશ્રેષ્ઠ સારવાર આપવા અને સતત દેખરેખ રાખવા આદેશ કર્યો છે.
મૃતકના પરિવારને સાંત્વના અને હોટલોને કડક ચેતવણી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ટેલિફોનિક વાતચીત દ્વારા મૃતક બાળકીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ કપરા સમયમાં પરિવારને હિંમત મળે તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે જ તેમણે રાજ્યની તમામ રેસ્ટોરન્ટ્સ અને હોટલોમાં સ્વચ્છતા, હાઈજિન તેમજ ગ્રાહકોની સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી ન લેવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જનઆરોગ્યની સુરક્ષા અને નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.