સુરતની સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટરના રેગિંગની ઘટના મામલે રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી, ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1 ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
રેગિંગ અટકાવવામાં નિષ્ફળ રહેલા પ્રોફેસર સામે કડક પગલાં
સરકારી મેડિકલ કોલેજ, સુરતના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉ. હર્ષ પડ્યા રેગિંગનો ભોગ બનવાની અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી હતી. આ ઘટનાને અટકાવવામાં અને વિભાગમાં શિસ્ત જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વર્ગ-1 ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લા સામે આકરા પગલાં લેવાયા છે. તેમને તાત્કાલિક અસરથી 90 દિવસ માટે ફરજમોકૂફ કરવામાં આવ્યા છે.
રેગિંગ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: આરોગ્ય મંત્રી
આ કડક કાર્યવાહી અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. રેગિંગ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે, સરકાર તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં સહેજ પણ બાંધછોડ કરશે નહીં.
સસ્પેન્શન દરમિયાન વડોદરા રહેશે મુખ્ય મથક, ખાનગી પ્રેક્ટિસ પર રોક
ફરજમોકૂફીના આ 90 દિવસના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે રહેશે. સક્ષમ અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા છોડી શકશે નહીં. આ ઉપરાંત, સસ્પેન્શન હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ નિયમોનો ભંગ થશે તો તેમનું નિર્વાહ ભથ્થું અટકાવીને વધુ કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તમામ મેડિકલ કોલેજોને એન્ટિ-રેગિંગ સમિતિઓ સક્રિય કરવા આદેશ
સુરતની આ દુઃખદ ઘટના બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. મંત્રીએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોને પોતાની ‘એન્ટિ-રેગિંગ સમિતિ’ અને ‘એન્ટિ-રેગિંગ સ્ક્વોડ’ને તાત્કાલિક ધોરણે વધુ સક્રિય અને સુદ્રઢ કરવાના કડક આદેશ આપ્યા છે.