સુરતના પુણા વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ સ્થિત એક લુમ્સના કારખાનામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને બિલ્ડિંગમાં ફસાયેલા 2 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી મોટી જાનહાનિ ટાળી હતી.
કાપડના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર પુણા વિસ્તારના આંજણા ફાર્મ પાસે આવેલા લુમ્સના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારખાનામાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
13 ફાયર ફાઈટરોની ટીમે જીવના જોખમે કર્યું રેસ્ક્યુ
આગ લાગી તે સમયે બિલ્ડિંગના પાંચમા માળે 2 કામદારો ફસાઈ ગયા હતા, જેથી તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત શહેરના વિવિધ ફાયર સ્ટેશનોમાંથી 13 જેટલા ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ફાયર વિભાગની ટીમે ભારે જોખમ વચ્ચે પાંચમા માળે ફસાયેલા બંને કામદારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા
આ ભીષણ આગની ઘટનામાં એક વ્યક્તિ દાઝી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની સમયસરની અને સત્વરે હાથ ધરાયેલી કામગીરીને પગલે એક મોટી જાનહાનિ ટળી શકી છે.