સપ્ટેમ્બર 11, 2026 2:45 પી એમ(PM)

printer

સુરતમાં દંપતીને 5 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 13 લાખની છેતરપિંડી કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો.

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરતા દિલ્હીથી 35 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. આ ઠગબાજોએ સુરતના એક દંપતીને 5 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખી, બેંક ખાતાના વેરિફિકેશનના બહાને 13 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

મની લોન્ડરિંગનો ડર બતાવી નકલી દસ્તાવેજો મોકલ્યા 

પોલીસના જણાવ્યા અનુસાર, ગઠિયાઓએ ફરિયાદીનો ફોન અને વીડિયો કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે ફરિયાદીના નામે લેવાયેલા સિમ કાર્ડ અને કેનેરા બેંકના ખાતાનો ઉપયોગ નરેશ ગોયલ સાથે જોડાયેલા મોટા મની લોન્ડરિંગ કેસમાં થયો છે. આરોપીઓએ ડરાવવા માટે મુંબઈ પોલીસના નકલી ઓળખકાર્ડ અને CBI, RBI તેમજ સુપ્રીમ કોર્ટના નકલી પત્રો પણ મોકલ્યા હતા.

ધરપકડની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવ્યા 

ધરપકડનું વોરંટ જારી થયું હોવાની ધમકી આપીને, આરોપીઓએ ફરિયાદી અને તેમની પત્નીને 5 દિવસ સુધી ઓનલાઈન નજરકેદ (ડિજિટલ અરેસ્ટ) હેઠળ રાખ્યા હતા. ત્યારબાદ, ખાતાઓની કાયદેસરતાની ચકાસણીના બહાને દંપતી પાસે વિવિધ બેંક ખાતાઓમાં કુલ 13 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીના ખાતામાં કરોડોના વ્યવહારો 

ટેકનિકલ તપાસને આધારે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના બિજનૌરના અને હાલ મુંબઈ રહેતા અફાક આલમ અન્સારી (ઉંમર 35) ને દિલ્હીથી શોધી કાઢ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે અફાકે દિલ્હીના સરનામે નકલી કંપની બનાવી યસ બેંકમાં ચાલુ ખાતું ખોલાવ્યું હતું અને માત્ર 3 લાખ રૂપિયાના કમિશન માટે તે ખાતું મુખ્ય ફરાર આરોપીને વાપરવા આપ્યું હતું. આ ખાતામાં 6 ડિસેમ્બર 2025 થી 21 જાન્યુઆરી 2026 વચ્ચે 1,05,37,721 રૂપિયાના વ્યવહારો થયા હતા. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર 3 અન્ય રાજ્યોની ફરિયાદો મુજબ કુલ 2,43,03,521 રૂપિયાની છેતરપિંડી આ નેટવર્ક દ્વારા થઈ હોવાનું ખૂલ્યું છે.

સાયબર પોલીસની અપીલ: ઓનલાઈન વોરંટથી ડરશો નહીં 

આ ગંભીર ઘટના બાદ પોલીસે નાગરિકોને સતર્ક કરતા જણાવ્યું છે કે, કોઈપણ સરકારી એજન્સી કે પોલીસ વીડિયો કોલ, Skype કે અન્ય એપ્લિકેશન દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી નથી. અધિકારીઓ ક્યારેય ઓનલાઈન પૂછપરછ કરીને દંડના નામે પૈસા માંગતા નથી. નકલી વોરંટ કે પત્રો જોઈને ગભરાવું નહીં અને અજાણ્યા ખાતાઓમાં ક્યારેય નાણાં ટ્રાન્સફર કરવા નહીં.