સપ્ટેમ્બર 2, 2026 7:33 પી એમ(PM)

printer

સુરતમાં ‘રીલ ટાસ્ક’ ના નામે 26.12 લાખની સાયબર છેતરપિંડી :20 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ

સુરત સિટી પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા ટેલિગ્રામ પર ‘રીલ ટાસ્ક’ આપીને 26.12 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવાના કેસમાં સિલવાસાથી એક 20 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીએ માત્ર 3 ટકા કમિશનની લાલચમાં સાયબર ગઠિયાઓને પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા આપ્યું હતું, જેની તપાસમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ થયો છે.

150 રૂપિયાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા 

પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના એક નાગરિકનો શરૂઆતમાં ટેલિગ્રામ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો અને ‘ShareChat’ રીલ્સ જોવા તેમજ લાઈક કરવાના સરળ ટાસ્ક ઓફર કરાયા હતા. પીડિતનો વિશ્વાસ જીતવા માટે ગઠિયાઓએ પહેલા ટાસ્ક બાદ તેમના બેંક ખાતામાં 150 રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ પેમેન્ટ અને મોટા રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) ના નામે વધુ કમાણીની લાલચ આપીને નકલી વેબસાઈટની લિંક મોકલવામાં આવી હતી. આ જાળમાં ફસાઈને પીડિતે વિવિધ બેંક ખાતાઓમાં કુલ 26,12,791 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે પૈસા ઉપાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે તેમને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.

3 ટકા કમિશન માટે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું 

સાયબર સેલ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે દાદરા અને નગર હવેલીના રહેવાસી (મૂળ ગાઝીપુર, યુપી) આદિત્ય પાંડે નામના 20 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. 8 જાન્યુઆરી, 2026 ના રોજ આદિત્યના HDFC બેંક ખાતામાં પીડિત પાસેથી 1.20 લાખ રૂપિયા જમા થયા હતા. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આદિત્યએ 3 ટકા કમિશનના બદલામાં આરિફ નામના એક ફરાર આરોપીને ટેલિગ્રામ દ્વારા પોતાનું બેંક એકાઉન્ટ પૂરું પાડ્યું હતું.

એકાઉન્ટમાંથી 1.97 કરોડથી વધુના ફ્રોડની વિગતો ખૂલી 

આરોપીના બેંક ખાતાની તપાસમાં 4 ડિસેમ્બર, 2024 થી 12 મે, 2026 ની વચ્ચે કુલ 51,31,272 રૂપિયાના વ્યવહારો નોંધાયા છે. તેમાંથી 1,63,020 રૂપિયાના વ્યવહારો વિવાદિત છે. વધુમાં, નેશનલ સાયબર રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) ની તપાસમાં આ ખાતા સામે વિવિધ રાજ્યોમાં નોંધાયેલી 4 અન્ય ફરિયાદો પણ સામે આવી છે, જેમાં કુલ 1,97,18,059 રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું ખૂલ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની લોકોને સાવચેત રહેવા અપીલ 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સાયબર સેલ) બિશાખા જૈને જણાવ્યું હતું કે, સાયબર ગુનેગારો સોશિયલ મીડિયાનો ઉપયોગ પીડિતો શોધવા અને બેંક એકાઉન્ટ ભાડે લેવા માટે કરે છે. પોલીસે નાગરિકોને ઓનલાઈન શેર-માર્કેટ રોકાણો, ઉચ્ચ વળતરનું વચન આપતી જાહેરાતો અને ‘રીલ ટાસ્ક’ જેવી આકર્ષક ઓફરોથી દૂર રહેવા અને કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા અજાણી વ્યક્તિની ઓળખ ચકાસવા ખાસ અપીલ કરી છે. હાલ પોલીસ મુખ્ય સુત્રધાર આરિફને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.