ઓગસ્ટ 4, 2026 5:51 પી એમ(PM)

printer

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે નવી ભેટ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 ક્ષમતાવાળી ક્રૂઝ લોન્ચ

નર્મદાના એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નિહાળવા આવતા દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણમાં વધુ એક મોટો ઉમેરો થયો છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની મુસાફરી ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સુરક્ષા ધોરણોની ચકાસણી અને તમામ જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત થયા બાદ આ નવી ક્રૂઝ ટૂંક સમયમાં પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વધતી માંગને પગલે નવી અને વિશાળ ક્રૂઝની શરૂઆત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી જ નર્મદા નદીમાં 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક ચાલી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. નદીમાં વિહાર કરતા કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવું એ પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ રહ્યો છે. પ્રવાસીઓના આ જ ઉત્સાહ અને વધતી માંગને પહોંચી વળવા તંત્ર દ્વારા હવે વધુ આધુનિક સુવિધાઓથી સજ્જ અને વિશાળ ક્ષમતાવાળી નવી ક્રૂઝ લોન્ચ કરવામાં આવી છે.

પાર્ટી, ઇવેન્ટ્સ અને સેલિબ્રેશન માટે ખાસ ડિઝાઇન

આ નવી ક્રૂઝ માત્ર નદીમાં મુસાફરી કરવા પૂરતી સીમિત નથી, પરંતુ તેને વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. પ્રવાસીઓ નર્મદા નદીના શાંત વાતાવરણ વચ્ચે જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, લગ્ન સમારંભો કે પ્રોડક્ટ લોન્ચ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરી શકશે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમય માટે આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ લગાવવામાં આવી છે, જે ક્રૂઝની શોભામાં અનેકગણી અભિવૃદ્ધિ કરશે.

નવી અને જૂની ક્રૂઝની સુવિધાઓમાં નોંધપાત્ર તફાવત

નવી ક્રૂઝ કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ હાલની ક્રૂઝ કરતા ઘણી વિશાળ છે. નવી ક્રૂઝ 30 મીટર લાંબી અને 12 મીટર પહોળી છે, જેમાં 600 લોકોની મુસાફરી ક્ષમતાની સાથે 250 લોકો માટે ડાઇનિંગની વ્યવસ્થા છે. ઇવેન્ટ માટે તેમાં 5 x 4 મીટરનું વિશાળ સ્ટેજ પણ બનાવાયું છે. તેની સરખામણીમાં હાલની કાર્યરત ક્રૂઝ 24 મીટર લાંબી અને 9 મીટર પહોળી છે, જેમાં 200 લોકોની ક્ષમતા અને 100 લોકો માટે ડાઇનિંગની સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરી ક્ષમતા અને વિશાળ વિસ્તારને કારણે નવી ક્રૂઝમાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન સરળતાથી થઈ શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.