ઓગસ્ટ 9, 2026 6:23 પી એમ(PM)

printer

અમરેલીમાં ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓને આખરી ઓપ, મહિલા રાયફલ ડ્રીલ બનશે મુખ્ય આકર્ષણ

આગામી 15 ઓગસ્ટે અમરેલી ખાતે રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમને યાદગાર બનાવવા માટે પોલીસ પરેડની વિવિધ ઇવેન્ટ્સની સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાત પોલીસ અને જેલ પોલીસની ૭૫ મહિલા તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવનારી શિસ્તબદ્ધ અને રોમાંચક ‘મહિલા રાયફલ ડ્રીલ’ આકર્ષણનું કેન્દ્ર બનશે.

મહિલા રાયફલ ડ્રીલમાં તાલીમાર્થીઓ દ્વારા રાયફલ સાથે વિવિધ જટિલ કસરતો અને ફોર્મેશન રજૂ કરવામાં આવશે. લોખંડી શિસ્ત, અદભૂત સ્ફૂર્તિ અને તાલમેલ સાથે યોજાનારી આ ડ્રીલમાં ગ્રાઉન્ડ પર ગોળાકાર સર્કલ સહિત વિવિધ રચનાઓ રજૂ કરવામાં આવશે. ખાસ કરીને સમુદ્રના મોજા જેવી લહેરોનું વેવ ફોર્મેશન દર્શકો માટે વિશેષ આકર્ષણ બની રહેશે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડની તમામ ઇવેન્ટ્સ માટે અમરેલી ખાતે સતત પ્રેક્ટિસ ચાલી રહી છે. મહિલા તાલીમાર્થીઓ પણ લોખંડી મનોબળ અને શિસ્ત સાથે પરેડ ગ્રાઉન્ડ પર સઘન તાલીમ લઈ રહી છે.

આ સમગ્ર આયોજનનો ઉદ્દેશ દેશ માટે સર્વસ્વ અર્પણ કરનારા શહીદોના બલિદાનને સલામી આપવાની સાથે રાષ્ટ્રભક્તિ અને મહિલા સશક્તિકરણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે. 15 ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમ દરમિયાન મહિલા પોલીસ તાલીમાર્થીઓની આ પ્રસ્તુતિ અમરેલીની ધરતી પરથી સશક્ત નારીશક્તિ અને અખંડ રાષ્ટ્રચેતનાનો પ્રભાવશાળી સંદેશ આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.