સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા – SBI એ જણાવ્યું છે કે સાયબર ઘટનામાં જે ગ્રાહકોની અંગત માહિતી લીક થઈ હોવાની શંકા છે તેમના પૈસા સુરક્ષિત છે.
બેંક દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને તેની જાણ કરાઇ છે અને તેમને અજાણ્યા કોલ્સ, સંદેશાઓ અને ઇમેઇલ્સથી સાવધ રહેવાની સલાહ આપી છે. SBI ને આ મહિનાની 16મી તારીખે ગ્રાહક માહિતી ડાર્ક વેબ પર જાહેર થવાની સંભાવના અંગે ચેતવણી મળી હતી. ત્યારબાદ, બેંકે તપાસ શરૂ કરી. આશરે 3 લાખ 75 હજાર રેકોર્ડ્સની તપાસમાં 3 હજાર 897 ગ્રાહકોની વ્યક્તિગત માહિતી બહાર આવી છે, જેમાં નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ સરનામાં, જન્મ તારીખ અને ઘરના સરનામાંનો સમાવેશ થાય છે.
બેંકે આ બાબતની તપાસ માટે એક સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની નિમણૂક કરી છે. SBI એ સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાથી બેંકના સંચાલન પર ખાસ અસર પડી નથી. બધી સેવાઓ સામાન્ય રીતે કાર્યરત છે. બેંકે ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ તેમના OTP, PIN અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરે અને અજાણ્યા કોલ્સ અથવા સંદેશાઓથી સાવધ રહે.