ગુજરાત રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ચલાવવામાં આવતી અન્ન સુરક્ષા યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી રમણ સોલંકી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ યોજના થકી છેલ્લા 5 વર્ષમાં 25 લાખ પરિવારોના 1 કરોડ 14 લાખથી વધુ નાગરિકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવ્યું છે.
136 લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખાનું વિતરણ
રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને આર્થિક ટેકો મળી રહે અને કોઈને ભૂખ્યા ન સૂવું પડે તે હેતુથી રાશનની દુકાનો મારફતે નિયમિત અનાજ વિતરણ કરવામાં આવે છે. મંત્રી રમણ સોલંકીએ યોજનાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 5 વર્ષના સમયગાળા દરમિયાન લાભાર્થીઓને મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નાગરિકોના પોષણ સ્તરને સુધારવા માટે 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનો પણ વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો છે.
વર્ષ 2025-26 માં 39 લાખથી વધુ નાગરિકોને લાભ
તાજેતરના આંકડાઓ રજૂ કરતા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણની પ્રક્રિયા સતત અને પારદર્શક રીતે ચાલી રહી છે. ચાલુ વર્ષ 2025-26 માં આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 9 લાખ 20 હજાર 610 (9,20,610) પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 39 લાખ 65 હજાર 325 (39,65,325) નાગરિકોને વિનામૂલ્યે અનાજનો લાભ આપવામાં આવ્યો છે.