પવિત્ર શ્રાવણ માસના 2 જા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સોમનાથ ટ્રસ્ટની પ્રાચીન પ્રણાલિકા મુજબ હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન સોમનાથની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
દેશભરમાંથી ઉમટી પડેલા શિવભક્તો અને અપાર શ્રદ્ધા
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે. આ પવિત્ર માસના 2 જા સોમવારે દેશભરના વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સોમનાથ મંદિરે આવી પહોંચ્યા હતા. શિવભક્તોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહ વચ્ચે, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રાચીન અને ભવ્ય પ્રણાલિકા અનુસાર મહાદેવની વિશેષ પાલખી યાત્રાનું આયોજન સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું.
વૈદિક મંત્રોચ્ચાર સાથે પાલખીમાં બિરાજમાન થયા મહાદેવ
શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપ શિવલિંગને સુંદર ફૂલોથી સજાવવામાં આવેલી આકર્ષક પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. યાત્રા શરૂ કરતા પૂર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજન વિધિ સંપન્ન થયા બાદ પરંપરાગત રીતે પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ઢોલ-નગારા અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદથી ગુંજ્યું પરિસર
પાલખી યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. ઢોલ, શરણાઈ અને ડમરુંના મંગળ ધ્વનિ સાથે યાત્રા આગળ વધી હતી. મંદિરમાં ઉપસ્થિત હજારો ભક્તો દ્વારા ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદ લગાવવામાં આવતા અદભુત શિવભક્તિનો નજારો જોવા મળ્યો હતો. આ ભવ્ય પાલખી યાત્રાના દર્શન માત્રથી સમગ્ર સોમનાથ પરિસર શિવમય બની ગયું હતું અને ભક્તો શિવભક્તિમાં લીન જોવા મળ્યા હતા.