અમદાવાદની સોલા સ્થિત ગુજરાત તબીબી શિક્ષણ અને સંશોધન મંડળી હોસ્પિટલમાં ટૂંક સમયમાં એક સ્થાયી તબીબી મંડળની રચના કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કરેલી આ મહત્વપૂર્ણ જાહેરાતથી સ્વાસ્થ્યના કારણોસર આંતર-જિલ્લા બદલી ઈચ્છતા રાજ્યના વિદ્યા સહાયકો, શિક્ષકો અને GSRTC ના કર્મચારીઓને મોટી રાહત મળશે.
શિક્ષકો અને GSRTC કર્મચારીઓની રજૂઆતને મળી સફળતા
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના વિદ્યા સહાયકો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગ 3 ના શિક્ષકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી હતી. સ્વાસ્થ્ય સંબંધી કારણોસર બદલી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓને હલ કરવા માટે કરાયેલી આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સોલા હોસ્પિટલ ખાતે એક કાયમી મેડિકલ બોર્ડની રચના કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
મેડિકલ સર્ટિફિકેટ અને અભિપ્રાય મેળવવામાં રહેશે સરળતા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નવા સ્થાયી તબીબી મંડળની રચના થવાથી કર્મચારીઓને મોટો ફાયદો થશે. જે સરકારી કર્મચારીઓને સ્વાસ્થ્યના ગંભીર કારણોસર પોતાના વતન કે અન્ય જિલ્લામાં આંતર-જિલ્લા બદલી કરાવવી હોય, તેમને હવે મુશ્કેલી નહીં પડે. બદલી માટે જરૂરી અધિકૃત તબીબી પ્રમાણપત્ર અને નિષ્ણાત તબીબોનો અભિપ્રાય હવે સોલા હોસ્પિટલ ખાતેથી ખૂબ જ સરળતાથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બની શકશે.