બદલાતા યુદ્ધના સ્વરૂપ અને આધુનિક ટેક્નોલોજીની જરૂરિયાત વચ્ચે ગુજરાતના વડોદરાના એરોનોટિકલ એન્જિનિયર શ્રેય મેહતાએ સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા મોટી પહેલ કરી છે. તેમણે ‘સ્વાયત્ત’ નામની કંપની સ્થાપીને સૈનિકોને મદદરૂપ થતાં આધુનિક ડ્રોન અને 500 કિલોની ક્ષમતા ધરાવતું માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જે ભારતીય સેના માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
વિદેશી નિર્ભરતા ઘટાડવા ‘સ્વાયત્ત’ ની સ્થાપના
વડોદરાના વતની શ્રેય મેહતાએ એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રશિયામાં પણ એરોસ્પેસ અને ટેક્નિકલ સિસ્ટમ્સનો અનુભવ મેળવ્યો હતો. દેશ-વિદેશના અનુભવ બાદ તેમણે ભારતની વિદેશી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવાનો સંકલ્પ કર્યો. આ વિચારમાંથી તેમણે વડોદરામાં જ ‘સ્વાયત્ત’ નામની R&D કેન્દ્રિત કંપનીની શરૂઆત કરી. આ કંપની સંરક્ષણ અને નાગરિક કાર્યો માટે ડ્રોન, સર્વેલન્સ સિસ્ટમ્સ અને ઓટોનોમસ પ્લેટફોર્મ વિકસાવી રહી છે.
500 કિલોની ક્ષમતાવાળું SGV-500 સ્કોર્પિયન વ્હીકલ
‘સ્વાયત્ત’ કંપની દ્વારા સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે SGV-500 સ્કોર્પિયન નામનું માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યું છે. 500 કિલોગ્રામની ક્ષમતા ધરાવતું આ પ્લેટફોર્મ લશ્કરી કામગીરી માટે ખાસ ડિઝાઇન કરાયું છે. તેનો મુખ્ય ઉદ્દેશ અત્યંત જોખમી વિસ્તારોમાં સૈનિકોની જગ્યાએ મશીનો મોકલીને લોજિસ્ટિક્સ અને સર્વેલન્સની કામગીરી સુરક્ષિત રીતે પાર પાડવાનો છે.
નાગરિક સુરક્ષા અને ફાયરફાઇટિંગમાં પણ થશે ઉપયોગ
આ સ્વાયત્ત સિસ્ટમનો ઉપયોગ માત્ર સરહદ પૂરતી મર્યાદિત નથી. કંપનીના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ ઔદ્યોગિક આગ પર કાબૂ મેળવવા, આપત્તિ વ્યવસ્થાપન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોખમી કામગીરીમાં પણ થઈ શકશે.
આ સમગ્ર પ્રોજેક્ટ થકી શ્રેય મેહતાનું લક્ષ્ય ગુજરાતમાં એક એવી મજબૂત ટેક્નોલોજી અને રિસર્ચ ઇકોસિસ્ટમ ઊભી કરવાનું છે, જે સંપૂર્ણપણે સ્વદેશી હાર્ડવેર અને સોફ્ટવેરથી સજ્જ હોય. આગામી સમયમાં આ પહેલથી ‘આત્મનિર્ભર ભારત’ ના સ્વપ્નને સાકાર કરવામાં મોટી મદદ મળશે અને ભારત આવતીકાલની ડિફેન્સ ટેક્નોલોજીનો માત્ર ઉપયોગકર્તા ન રહેતા, તેના મુખ્ય નિર્માતા તરીકે પણ ઉભરી આવશે.