સાઉદી અરેબિયાએ ડ્રોન હુમલા બાદ દેશભરમાં ફેલાયેલી તેલ પાઇપલાઇન બંધ કરી દીધી છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રાલયના નિવેદનમાં આ પગલાંને સાવચેતી માટેનું ગણાવાયુ છે. અમેરિકા અને ઇઝરાયલ સાથેના ઈરાનના યુદ્ધ દરમિયાન હોર્મુઝ સામુદ્રધુનીમાં તણાવ બાદ પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇને સાઉદી અરેબિયાની તેલ નિકાસ ચાલુ રાખવાની ક્ષમતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે આ હુમલા માટે ઈરાકથી આવેલા અનેક ડ્રોનનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો.
સાઉદી અરેબિયા દ્વારા બંધ કરાયેલી 1 હજાર 200 કિલોમીટરની પાઇપલાઇન, હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરીને, ઈંધણને વૈશ્વિક બજારો સુધી પહોંચવા માટેનો મુખ્ય વૈકલ્પિક માર્ગ છે. જેના દ્વારા તાજેતરમાં દૈનિક 4 મિલિયનથી 5 મિલિયન બેરલનું વહન કરાયું છે, જે વૈશ્વિક પુરવઠાના 4 થી 5 ટકા જેટલું છે.
બીજી તરફ યમનમાં ઈરાની સમર્થિત હુતી બળવાખોરોએ રાતા સમુદ્રના દક્ષિણ પ્રવેશદ્વાર પર મોખા બંદર અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાં પેરીમ નામના વ્યૂહાત્મક ટાપુ પર કબજો કર્યો છે, જેનાથી ચાલી રહેલા પશ્ચિમ એશિયા સંઘર્ષમાં વધારો થયો છે.