સપ્ટેમ્બર 30, 2026 6:44 પી એમ(PM)

printer

નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાયો: CM પટેલે કર્યા જળ વધામણાં

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની 138.68 મીટરની ઐતિહાસિક પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. આ મંગળ અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદા જિલ્લાના એકતા નગર પહોંચીને નર્મદા મૈયાના પાવન જળના શાસ્ત્રોક્ત વિધિથી વધામણાં કર્યા હતા.

મંત્રોચ્ચાર સાથે જળ પૂજન અને ચુંદડી અર્પણ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગર સ્થિત ડેમ સાઇટ પર માતા નર્મદાનું ભાવપૂર્ણ જળ પૂજન કર્યું હતું. ‘નમામિ દેવી નર્મદે’ ના પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીએ નદીમાં શ્રીફળ અને ચુંદડી અર્પણ કરી નર્મદા મૈયાના નીરના વિધિવત વધામણાં કર્યા હતા.

વર્ષ 2017 પછી સતત 7મી વખત મહત્તમ સપાટીએ પહોંચ્યો ડેમ 

અત્રે નોંધનીય છે કે, 17 સપ્ટેમ્બર 2017 ના રોજ દેશના વડાપ્રધાન દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યો હતો. 2017 માં રાષ્ટ્રને અર્પણ થયા બાદ, ડેમ આજે સતત 7મી વખત તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. વિશેષ બાબત એ છે કે, આ વખતે અલનીનોના વર્ષમાં પણ નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં રાજ્ય પરથી જળ સંકટ ટળ્યું છે.

રાજ્યના 4 કરોડ નાગરિકો માટે જળ સુરક્ષા સુનિશ્ચિત 

સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોને તેનો સીધો લાભ મળશે. ડેમ મહત્તમ સપાટી પર પહોંચવાના કારણે ગુજરાત રાજ્યના 10453 ગામો, 191 શહેરો અને 7 મહાનગરપાલિકાઓના અંદાજે 4 કરોડ નાગરિકો માટે પીવાના તથા સિંચાઈના પાણીની સુરક્ષા સુનિશ્ચિત થઈ ગઈ છે.