બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યુ કે આઇલેન્ડ્સના ધ્વજવાળા જહાજ એમ/ટી વાલ્થેરા પર વિસ્ફોટ્ક તૂટી પડતાં આગ લાગી. જેમાં તમામ સવાર 11 ભારતીય નાવિકો સુરક્ષિત છે.
શ્રી સોનોવાલે એ પણ માહિતી આપી કે 11 ભારતીય નાવિકોને લઈને જતા ટેન્કર એમટી પેટ્રો ડોલ્ફિન પર સોહર એન્કોરેજ ખાતે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે નવ ભારતીય ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે જ્યારે બે ભારતીય નાગરિકો હાલમાં સંપર્ક વિહોણા છે. તેમણે કહ્યું કે સ્થાનિક કોસ્ટ ગાર્ડ દ્વારા શોધ અને બચાવ કામગીરી સક્રિય રીતે ચાલી રહી છે.
વિદેશ મંત્રાલયે ગઈકાલે હોર્મુઝ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલાઓની નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યુ કે, મસ્કતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
સાઉદી અરેબિયાના રિયાધમાં કિંગ ખાલિદ એરપોર્ટ પર શનિવારે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા એક ભારતીય નાગરિકનું મોત થયું છે. રિયાધમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે મૃતદેહને ભારત પરત મોકલવા સહિત તમામ શક્ય સહાય પૂરી પડાશે.
આ હુમલામાં આશરે 300 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 10 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ભારતીય અધિકારીઓ ઇજાગ્રસ્તોની સ્થિતિ જાણવા સ્થાનિક અધિકારીઓ અને હોસ્પિટલોના સંપર્કમાં છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે હુમલા બાદ રિયાધમાં ભારતીય દૂતાવાસે તમામ જરૂરી પગલાં લીધા છે. દૂતાવાસે સાઉદી અરેબિયામાં ભારતીય નાગરિકોને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
ભારતીય નાગરિકો સહાય માટે સાઉદી અરેબિયામાં 24 કલાક ટોલ-ફ્રી નંબર 80 02 47 12 34 પર સંપર્ક કરી શકે છે.
દરમિયાન સાઉદી અરેબિયામાં રિયાધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગઇકાલે બીજા એક હુમલામાં એકનું મોત અને 11 ઇજાગ્રસ્ત થયા છે. સાઉદી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિસ્ફોટક પડતાં પેસેન્જર હોલમાં આગ ફાટી નીકળી હતી.
યમનમાં હુથીઓએ આ હુમલાની જવાબદારી લેતા મુસાફરોને સાઉદી અરેબિયાના એરપોર્ટ અને એરસ્પેસનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હુથીઓ પર હુમલો કરવો કે નહીં તે અંગે નિર્ણય લેશે.