ઓગસ્ટ 5, 2026 3:14 પી એમ(PM)

printer

સાપુતારામાં વરસાદના વિરામ વચ્ચે છવાયું ગાઢ ધુમ્મસ, પ્રવાસીઓ ઉમટ્યા

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદના વિરામ બાદ વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું છે. પર્વતો પર છવાયેલી હરિયાળી વચ્ચે ઝરમર વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે હિલ સ્ટેશનનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. આગામી મોનસૂન ફેસ્ટિવલ પૂર્વે જ અહીં સર્જાયેલા ખુશનુમા માહોલનો આનંદ માણવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ઉમટી રહ્યા છે. જોકે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને સાવચેતી રાખવા તાકીદ કરાઈ છે.

પર્વતોની હરિયાળી અને ઝરમર વરસાદે વધાર્યું સૌંદર્ય

ચોમાસાની શરૂઆત સાથે જ ડાંગ જિલ્લાનું પ્રકૃતિ સૌંદર્ય નિખરી ઉઠે છે. હાલમાં સાપુતારામાં ભારે વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ પર્વતો પર પથરાયેલી હરિયાળી વચ્ચે હળવા ઝરમર વરસાદ અને ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. પ્રકૃતિના આ અદભુત નજારાએ સમગ્ર વિસ્તારને ખરા અર્થમાં આહલાદક બનાવી દીધો છે. ઠંડકભર્યા પવન અને ચારેકોર ફેલાયેલા ધુમ્મસના કારણે પ્રવાસીઓને ઉત્તર ભારતનાં હિલ સ્ટેશનો જેવો અહેસાસ થઈ રહ્યો છે.

મોનસૂન ફેસ્ટિવલ પહેલાં જ હિલ સ્ટેશન પર ખુશનુમા માહોલ

સાપુતારામાં પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસામાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જોકે, આ વર્ષે ફેસ્ટિવલની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં જ સાપુતારામાં અદભુત અને ખુશનુમા માહોલ સર્જાયો છે. રજાઓના દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આ નયનરમ્ય વાતાવરણનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં સાપુતારા પહોંચી રહ્યા છે.

ઝીરો વિઝિબિલિટી: વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવા અપીલ

આહલાદક વાતાવરણ વચ્ચે ઘન ધુમ્મસના કારણે સાપુતારાના ઘાટ માર્ગો પર વાહનવ્યવહારને અસર પહોંચી છે. અનેક સ્થળોએ ધુમ્મસ એટલું ગાઢ છે કે ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે થોડા અંતરે રહેલા વાહનો પણ સ્પષ્ટ દેખાતા નથી. આ સ્થિતિમાં અકસ્માતનો ખતરો રહેતો હોવાથી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં ડ્રાઇવિંગ કરતી વખતે વાહનની હેડલાઇટ ફરજિયાત ચાલુ રાખવા, વાહનની ગતિ અત્યંત ધીમી રાખવા અને પૂરેપૂરી સાવચેતી સાથે જ વાહન ચલાવવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રવાસીઓનો ધસારો હજુ વધવાની શક્યતાઓ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.