ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની ઋતુમાં યોજાતા પ્રખ્યાત ‘મેઘ મલ્હાર પર્વ 2026’ ની તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આગામી 8 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પર્વનું ભવ્ય ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે, જેને અનુલક્ષીને ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરીય આયોજન બેઠક યોજવામાં આવી હતી.
પ્રવાસન અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન
સાપુતારામાં પ્રવાસનના વિકાસની સાથે સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશ્યથી ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ દ્વારા દર વર્ષે મેઘ મલ્હાર પર્વનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની આનુષંગિક કામગીરીથી માહિતગાર કરી સુચારુ આયોજન ઘડી કાઢવા માટે જરૂરી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
અધિકારીઓને સોંપાઈ વિવિધ વ્યવસ્થાની જવાબદારી
આ આયોજન બેઠકમાં કલેક્ટરશ્રીએ મહાનુભાવોના આગમન માટે વિશેષ હેલીપેડ તૈયાર કરવા તેમજ કાર્યક્રમ સ્થળે ડોમ, મંડપ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થા ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, વાહન પાર્કિંગ, ટ્રાફિક નિયમન, ભોજન અને પીવાના પાણીની સુવિધા, આરોગ્ય ટીમોની તૈનાતી, સફાઈ અને સેનિટેશન તેમજ આંતરિક રસ્તાઓના સમારકામ અંગે સંબંધિત અધિકારીઓને તાકીદે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા કડક સૂચનાઓ આપી હતી.
પ્રવાસન વિભાગના MD દ્વારા ઓનલાઇન માર્ગદર્શન
તંત્રની આ બેઠક દરમિયાન પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિપિન ગર્ગ પણ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા. તેમણે સ્થાનિક અધિકારીઓને કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર ડૉ. મયુર પરમાર, પ્રાંત અધિકારી યુ. વી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ અને કાર્યપાલક ઈજનેર કેતન કુંકણા સહિત વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવને લઈને સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.