પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા સામાખ્યાળી-ગાંધીધામ ફોર-લાઇન પ્રોજેક્ટ અંતર્ગત સામાખ્યાળી અને ભચાઉ વચ્ચે નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું રેલ સંરક્ષા આયુક્ત દ્વારા સફળતાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ નવી લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઇલેક્ટ્રિક એન્જિન સાથેનો સ્પીડ ટ્રાયલ પણ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ મોટા પ્રોજેક્ટથી કચ્છ વિસ્તારમાં માલ પરિવહન, ઉદ્યોગ અને યાત્રી સુવિધાઓને નવી ગતિ મળશે.
સઘન તકનીકી અને સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ
રેલ સંરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસે મોટર ટ્રોલી દ્વારા બે દિવસ સુધી સામાખ્યાળીથી ભચાઉ સુધીનું વિગતવાર તકનીકી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ અને નિર્માણ વિભાગના મુખ્ય વહીવટી અધિકારી પ્રદીપ ગુપ્તા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન નવી રેલવે લાઇનની ગુણવત્તા, ટ્રેક જ્યોમેટ્રી, સિગ્નલ સિસ્ટમ, સમપાર ફાટક, ઓવરહેડ ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને વિવિધ બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સામાખ્યાળી રેલવે સ્ટેશનના યાર્ડ અને વોંધ સ્ટેશનની સંચાલન ક્ષમતાનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું.
130 કિમીની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ
નવી બનેલી ત્રીજી અને ચોથી લાઇન પર પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ઓબ્ઝર્વેશન કાર દોડાવીને 130 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ટ્રાયલ કરવામાં આવ્યો હતો, જે સંપૂર્ણપણે સફળ રહ્યો છે. અંતિમ સંરક્ષા મંજૂરી પ્રાપ્ત થયા બાદ ટૂંક સમયમાં જ આ ટ્રેક પર મુસાફર ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વાગત અને લોકો સાથે સંવાદ
નવનિર્મિત વોંધ રેલવે સ્ટેશન પર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળે અધિકારીઓનું સ્વાગત કરી રેલવેના માળખાકીય વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન DRM વેદ પ્રકાશે એક લેવલ ક્રોસિંગ પર સ્થાનિક નાગરિકો સાથે ફાટક બંધ રહેવા અંગે પડતી અસુવિધા વિશે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને આ સમસ્યાના ઝડપી અને વ્યવહારુ ઉકેલ માટે તાકીદની સૂચનાઓ આપી હતી.
કચ્છના માલ પરિવહન અને ઔદ્યોગિક ક્ષેત્રને મોટો ફાયદો
સામાખ્યાળી-ભચાઉ રેલખંડ પર ચાર લાઇન કાર્યરત થવાથી કંડલા અને મુન્દ્રા બંદરો સાથેનું રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. લાઇન ક્ષમતામાં વધારો થવાથી ટ્રેનોનું સંચાલન સરળ બનશે અને માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે. જેનાથી લોજિસ્ટિક ખર્ચમાં મોટો ઘટાડો આવશે. આગામી સમયમાં આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારમાં નવા ઉદ્યોગો, રોકાણ અને રોજગારીની તકોમાં વધારો કરી સમગ્ર રાષ્ટ્રીય અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.