દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નજીક આવેલા વચલાબારા ગામમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક બોગસ દવાખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સલાયા મરીન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા એક શખ્સની ધરપકડ કરી છે અને સ્થળ પરથી હજારો રૂપિયાનો મેડિકલ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે મરીન પોલીસનો દરોડો
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સલાયા મરીન પોલીસને વચલાબારા ગામમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે દવાખાનું ખોલીને મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસની ટીમે ગામમાં અચાનક દરોડો પાડ્યો હતો અને ક્લિનિકમાં સઘન તપાસ હાથ ધરી હતી.
‘રોની દવાખાનું’ નામે ચાલતો હતો ગોરખધંધો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, રામચંદ્ર બીશ્વાસ નામનો શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં સત્તાવાર નોંધણી ધરાવતો ન હતો. તેમ છતાં તે ગામમાં રોની દવાખાનું નામે ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતો હતો. ડિગ્રી વગર દર્દીઓને દવાઓ આપીને તે ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરી રહ્યો હતો.
84 હજારથી વધુની દવાઓ અને સાધનો જપ્ત
દરોડા દરમિયાન સલાયા મરીન પોલીસે આ બોગસ દવાખાનામાંથી મોટા પ્રમાણમાં એલોપેથીક દવાઓનો જથ્થો અને મેડિકલ સારવારમાં ઉપયોગમાં લેવાતા સાધનો શોધી કાઢ્યા હતા. પોલીસે સ્થળ પરથી દવાઓ સહિત કુલ 84,603 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
BNS અને મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ
લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ પકડાયેલા આરોપી રામચંદ્ર બીશ્વાસ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963 ની કલમ 30 હેઠળ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરી લેવાઈ છે.