ઓગસ્ટ 6, 2026 2:19 પી એમ(PM)

printer

દેવભૂમિ દ્વારકાના સલાયાના જહાજ પર વિસ્ફોટક હુમલો: તમામ 14 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ યમન નજીક આફ્રિકા અને એશિયાની વચ્ચે આવેલા રાતા સમુદ્રમાં ભયાનક હુમલાનો શિકાર બન્યું છે. વિસ્ફોટક ભરેલી બોટ અથડાતા જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને તે દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. સદ્ભાગ્યે, જહાજમાં સવાર સલાયાના 13 ખલાસીઓ સહિત કુલ 14 ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવ થયો છે.

વિસ્ફોટક ભરેલી અજાણી બોટ અથડાઈ અને જહાજ ડૂબ્યું

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, સલાયાના મુનાફ હાજી અબ્દુલ્લાહ ભાયાની માલિકીનું ‘એમએસવી ફેઝ નૂરે ઓલિયા’ નામનું જહાજ યમનના હોડેઇડાહ બંદર નજીકથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન એક અજાણી બોટ જહાજ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બોટમાં વિસ્ફોટકો ભરેલા હોવાથી હુમલા બાદ તરત જ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું માલવાહક જહાજ દરિયામાં ડૂબી ગયું હતું.

તમામ 14 ક્રૂ મેમ્બર્સનો યમન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવ

જહાજમાં કુલ 14 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં 13 ભારતીય ખલાસીઓ દેવભૂમિ દ્વારકાના સલાયાના રહેવાસી છે અને 1 ક્રૂ મેમ્બર યમનનો નાગરિક છે. ઘટનાની જાણ થતાં યમન કોસ્ટ ગાર્ડે ત્વરિત કાર્યવાહી કરી તમામ ખલાસીઓને બચાવી લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે મોખા પોર્ટ ખાતે પહોંચાડ્યા હતા.

હુથી સંગઠન પર હુમલાનો દાવો અને વતન વાપસીની પ્રક્રિયા

યમન સરકાર દ્વારા પ્રાથમિક દાવો કરવામાં આવ્યો છે કે આ વિસ્ફોટક હુમલો હુથી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. રાતા સમુદ્રમાં અવારનવાર થતા આવા હુમલાઓને કારણે સલાયાના વહાણવટા ઉદ્યોગમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.